અથડામણમાં પ્રવાસી મજૂરો પર હુમલામાં સામેલ બે આતંકવાદીઓ ઠાર
બન્ને આતંકીઓ અલ બદ્રે સંગઠનના હતા
જમ્મુ-કશ્મીરમાં સુરક્ષાદળોને મળી વધુ એક સફળતા
જમ્મુ-કશ્મીરમાં છેલ્લાં કેટલાંય દિવસથી સતત સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણની ઘટના સામે આવતી રહે છે. ત્યારે તાજેતરમાં જ સુરક્ષા દળોને પુલવામા એન્કાઉન્ટરમાં કુલ બે આતંકીઓને ઠાર કરવામાં સફળતા મેળવી છે. બુધવારે મિત્રીગામ વિસ્તારમાં અથડામણ શરૂ થયું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસનું કહેવું છે કે, અથડામણના પહેલાં દિવસે એક આતંકવાદી માર્યો ગયો હતો જ્યારે ગુરુવારે બીજો આતંકવાદી માર્યો ગયો હતો. આ બંને આતંકવાદીઓ માર્ચ-એપ્રિલ 2022માં પરપ્રાંતિય મજૂરો પર થયેલા હુમલા માટે જવાબદાર હતા.
તેઓએ કહ્યું કે, આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો જ્યાર બાદ અથડામણ શરૂ થઇ હતી. અધિકારીએ જણાવ્યું કે, અથડામણમાં 2 આતંકવાદીઓ ઠાર કરાયા છે. આઈજીપી કાશ્મીર વિજયકુમારે જણાવ્યું હતું કે, અત્યાર સુધી અથડામણમાં માર્યા ગયેલા બંને આતંકવાદીઓ માર્ચ-એપ્રિલ 2022 મહિનામાં જિલ્લામાં બહારના મજૂરો પર શ્રેણીબદ્ધ હુમલાઓમાં સામેલ હતા.માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ એજાઝ હાફિઝ અને શાહિદ અયુબ તરીકે થઈ છે અને તેઓ અલ બદર આતંકી સંગઠન સાથે સંબંધ ધરાવે છે.
અધિકારીએ કહ્યું કે આ બંને સ્થાનિક આતંકવાદી હતાં. પોલીસે બે એકે 47 રાઈફલ પણ કબજે કરી છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજય કુમારના જણાવ્યાં અનુસાર, જૈશ-એ-મોહમ્મદ (JeM) સંગઠનના એક પાકિસ્તાની આતંકવાદી સહિત બે-ત્રણ આતંકવાદીઓ કોર્ડનની અંદર ફસાયેલા છે.
આ પહેલાં કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું હતું કે, ઘેરાબંદીમાં જૈશ-એ-મોહમ્મદના બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. કુમારે ટ્વિટ કર્યું હતું કે, અથડામણમાં એક જવાન પણ ઘાયલ થયો છે. તેઓએ કહ્યું કે, ફસાયેલા આતંકવાદીઓને જલ્દી ઠાર કરવામાં આવશે. સામાન્ય નાગરિકોને ત્યાંથી હટાવવા માટે થોડાક સમય માટે ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું.