ધમકીભર્યો પત્ર મળતા પંજાબમાં મચ્યો હડકંપ
CM સહિત અનેક રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સુલતાનપુર લોધી રેલવે સ્ટેશન પોલીસ છાવણીમાં ફેરવાયું
પંજાબથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બુધવારના રોજ પંજાબના મુખ્યમંત્રી, રાજ્યપાલ, ઉચ્ચ અધિકારીઓ તેમજ રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો એક પત્ર મળ્યો છે. સુલતાનપુર લોધી રેલવે સ્ટેશન પર ટપાલના આધારે આ ચિઠ્ઠી પહોંચી છે. આ ચિઠ્ઠી હિન્દી અને ઉર્દુમાં લખવામાં આવી છે. જો કે, ધમકીભરેલા આ પત્ર બાદ પોલીસ એક્શનમાં આવી ગઇ છે. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી જાણકારી અનુસાર, જ્યારે જમ્મુ તવી ટ્રેન આવી ત્યારે કોઇ અજાણી વ્યક્તિ દ્વારા આ ચિઠ્ઠી મળી આવી. 21 મે સુધીમાં ઉગ્રવાદી સંગઠનો તરફથી પંજાબમાં લગભગ રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ પત્ર મીડિયામાં વાયરલ થયાના લગભગ ચાર કલાક બાદ સુલતાનપુર લોધીની પોલીસ રેલવે સ્ટેશને પહોંચી. ત્યાર બાદ આખુંય રેલવે સ્ટેશન પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું.
સુલતાનપુર લોધી રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્તરે કહ્યું કે, “આજે પોસ્ટ દ્વારા મળેલા ધમકીભર્યા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, બદલો લેવા માટે સુલતાનપુર લોધી, ફિરોઝપુર અને જલંધર જેવાં મોટા રેલ્વે સ્ટેશનોને 21 મે સુધીમાં ઉડાવી દેવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે સીએમ ભગવંત માન અને અન્ય કેટલાક લોકો પર પણ હુમલો કરવામાં આવશે. બાદમાં પોલીસે કહ્યું કે, ધમકીભર્યો પત્ર મળ્યા બાદ તપાસના ભાગરૂપે હાલ CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.