કોવિડ-19ની સ્થિતી સંદર્ભે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી ચર્ચા
વિડીયો કોન્ફરન્સ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા
મુખ્યમંત્રીશ્રીઓ, રાજ્ય સરકારો અને અધિકારીઓની પ્રસંસા કરતાં વડાપ્રધાન
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં કોવિડ-19 ની સ્થિતી સંદર્ભે રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે યોજેલી વિડીયો કોન્ફરન્સ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી સહભાગી થયા હતા. વડાપ્રધાનશ્રીએ કોરોના કાળમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને જે કાર્ય કર્યુ તેણે કોરોના સામેની લડાઇમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે તેવો મત દર્શાવ્યો હતો તેમણે આ સંદર્ભમાં બધા જ મુખ્યમંત્રીશ્રીઓ, રાજ્ય સરકારો અને અધિકારીઓ તથા કોરોના વોરિયર્સની પ્રસંશા કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત આ વિડીયો કોન્ફરન્સમાં આરોગ્ય મંત્રી શ્રી રૂષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, આરોગ્ય રાજ્ય શ્રીમતી નિમિષાબહેન સુથાર પણ સહભાગી થયા હતા ગુજરાતે કોવિડ મહામારીના અટકાવ અને નિયંત્રણ માટે મહત્વના પાંચ સ્તંભોના આધારે રણનીતિ અને પગલાં લીધા છે. *આ સ્થંભોમાં નેતૃત્વ અને નીતિઓ, આરોગ્ય તંત્રને સજ્જ અને સુદ્રઢ કરવું, સર્વેલન્સ અને અટકાવ, હોસ્પિટલ અને સારવાર તથા જનજાગૃતિ અને લોક સહયોગ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. રાજ્યમાં ૧ લાખથી વધુ મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ તથા ૩૩ હજારથી વધુ સ્ટાફનો ઉમેરો કરવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ ૧૯પ RTPCR લેબોરેટરીમાં રોજના ૧ લાખ ૪૦ હજારથી વધુ ટેસ્ટિંગ અને દર મહિને ૩૦૦૦ થી વધુ જિનોમ સિક્વન્સ ટેસ્ટની સુવિધા વિકસાવવામાં આવેલી છે.
લોકોના સર્વેક્ષણ માટે ટેસ્ટ-ટ્રેક અને ટ્રીટની સ્ટ્રેટેજી માટે ૧પ હજારથી વધુ મેડીકલ ટીમ દ્વારા રોજના પાંચ લાખથી વધુ લોકોના સર્વેલન્સની કેપેસિટી બિલ્ટ અપ કરાઇ છે કોવિડ-19 વેક્સિનેશન અંતર્ગત ૧૮ વર્ષથી ઉપરની વયના વ્યક્તિઓનો ૯૯.૭ ટકાને પ્રથમ ડોઝ, ૯૭.૬ ટકાને બીજો ડોઝ આપી દેવાયો છે. એટલું જ નહિ, ૧પ થી ૧૭ વર્ષની વયજૂથમાં પ્રથમ ડોઝ અન્વયે ૮૬ ટકા તેમજ બીજા ડોઝ અંતર્ગત ૮૪.પ ટકા સિદ્ધિ મેળવવામાં આવી છે. ગુજરાતને શ્રેષ્ઠ રસીકરણ અભિયાનનો વિજેતા એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે .આ સમીક્ષા બેઠકમાં કોરોનાના ત્રણેય વેવમાં રાજ્ય સરકારે આરોગ્ય સલામતિ માટે લીધેલા પગલાંઓ તથા આયુર્વેદ ઊકાળા, ઓક્સિજન પ્લાન્ટ, હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ, ICU બેડ વગેરેની વિસ્તૃત વિગતો પણ આપવામાં આવી હતી મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, ડી.જી.પી આશિષ ભાટિયા, અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, શ્રી મનોજ અગ્રવાલ તેમજ વરિષ્ઠ સચિવો આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં જોડાયા હતા