1લી મેએ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે
છોટુ વસાવા સાથે મુલાકાત કરી ‘આદિવાસી સંકલ્પ મહાસંમેલન’ને સંબોધશે
AAP અને BTP સાથે ચૂંટણી લડશે
ગુજરાતમાં વિધાનસભા ચુંટણીના ભણકારા વાગી રહ્યાં છે, ત્યારે આગામી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને બીટીપી વચ્ચે ગઠબંધન થવા જઈ રહ્યું છે. બંને પક્ષો આગામી વિધાનસભાની ચૂંટણી સાથે લડશે. જેને લઈને આજે બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા અમદાવાદમાં આપના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે તથા ગોપાલ ઈટાલિયા અને મહેશ વસાવાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. આ સાથે જ તેમણે આગામી ચૂંટણીમાં બીટીપી અને આમ આદમી પાર્ટી કેવી રીતે સાથે રહીને લોકોના મુદ્દા રજૂ કરશે તે અંગે જણાવ્યું હતું.
ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ભૂતકાળની તમામ સરકારો કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વર્ષો સુધી આવતી રહી પરંતુ આદિવાસીઓના પાયાના પ્રશ્નોને વાચા ન મળી. શિક્ષણ, રોજગાર અને જળ-જમીન જંગલ હોય. તેમના પ્રશ્નો આજે પણ ત્યાંને ત્યાં છે. આ તમામ પ્રશ્નોને લઈને આદિવાસી સમાજ લાચાર બન્યો છે. ત્યારે એક નવી દિશામાં આગળ વધીને આદિવાસીઓના પ્રશ્નોને રાષ્ટ્રીય સ્તર પર વાચા મળે, તેના પર ચર્ચા થાય તેવા પ્રયાસોથી BTPના છોટુભાઈ વસાવા અને મહેશ વસાવા સાથે ચર્ચા થઈ હતી.
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ છોટુ વસાવાએ દિલ્લહીના CM અરવિંદ કેજરીવાલ સાથે થોડા દિવસો પહેલા મુલાકાત પણ કરી હતી. ભાજપ, કોંગ્રેસ, આપ અને હવે BTP પણ ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓમાં તેજ બની ગયું છે. હાલમાં જ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ AAPમાં વધુ આત્મવિશ્વાસ પુરાયો છે ત્યાં ગુજરાતની ચૂંટણીને લઈ આપ અને BTP વચ્ચેની બેઠક બાદ બન્ને પક્ષ વચ્ચે ગઠબંધન થવાની શક્યતાએ વધુ જોર પકડ્યુ હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં BTPએ AIMIM સાથે ગઠબંધન કર્યું હતું. વર્ષ 2021માં ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા છોટુ વસાવા અને મહેશ વસાવાની પાર્ટી BTPએ અસદુદ્દીન ઔવેસીની AIMIM સાથે ગઠબંધન કર્યું હતું. જો કે, બંને પાર્ટીને કોઈ ખાસ સફળતા મળી ન હતી. જ્યારે પંજાબમાં ધમાકેદાર જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની તૈયારીઓ શરૂ કરી છે ત્યારે BTPએ AAP સાથે ગઠબંધન થવા જઈ રહ્યું છે.