કોરોનાનાં 2 વર્ષમાં 4.14 લાખ મહિલાના નામે મકાન ખરીધાયા
મહિલાના નામે 45 હજાર કરોડનાં મકાન-પ્લોટ ખરીદાયાં
છેલ્લાં 6 વર્ષમાં 1.18 લાખ કરોડનાં મકાન-પ્લોટની નોંધણી મહિલાઓને નામે થઈ
રાજ્યમાં હવે મહિલાઓના નામે સ્વતંત્ર મિલકતો, એટલે કે મકાન, ફ્લેટ, પ્લોટ, જમીનની ખરીદીનું ચલણ વધ્યું છે. અગાઉ પતિની સાથે પત્નીનું નામ જોઇન્ટમાં રાખવાની પ્રથા હતી, પરંતુ હવે પરિવારની મહિલાઓ પણ સ્વતંત્ર મિલકત ધરાવતી થઇ છે. રાજ્યમાં છેલ્લાં 6 વર્ષમાં 11.05 લાખ મહિલાએ 1.18 લાખ કરોડની કિંમત ધરાવતી મિલકતોની ખરીદી કરી છે અને આ મિલકતો મહિલાઓના સ્વતંત્ર નામે નોંધાઇ છે. કોરોનાકાળ દરમિયાન પણ મહિલાઓને નામે નોંધાતી મિલકતોમાં કોઇ ઘટાડો થયો ન હતો. કોરોના મહામારીના વર્ષ 2020-21 અને 2021-22 દરમિયાન 4.14 લાખ મહિલાઓના નામે કુલ 45,736 કરોડ રૂપિયાની મિલકતો નોંધાઇ હતી.
રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને નામે મિલકતોની ખરીદીને પ્રોત્સાહન મળે એ માટે વેચાણ દસ્તાવેજ વખતે ભરવાની થતી 1 ટકા રજિસ્ટ્રેશન ફીમાં માફી આપવામાં આવી છે. વર્ષ 2007થી આ યોજના શરૂ કરાઇ છે, પરંતુ હવે મહિલાઓના નામે સ્વતંત્ર નોંધણીમાં ક્રમશઃ વધારો થઇ રહ્યો છે. વર્ષ 2016-17થી વર્ષ 2021-22 સુધીના 6 વર્ષમાં 11.05 લાખ મહિલાઓના નામે 10.46 લાખ મિલકતોની નોંધણી કરાવવામાં આવી હતી. આ બદલ રાજય સરકાર દ્વારા મહિલાઓને રજિસ્ટ્રેશન ફીમાં કુલ 1188 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી હતી. ગત નાણાકીય વર્ષ 2021-22માં મહિલાઓના નામે અત્યારસુધીની સૌથી વધુ મિલકતો નોંધાઇ હતી. આ વર્ષમાં 2.30 લાખ મહિલાને નામે 2.17 લાખ મિલકતના દસ્તાવેજની નોંધણી થઇ હતી.
આ મિલકતોની કુલ બજાર કિંમત 26,729 કરોડ જેટલી થઈ જશે. છેલ્લાં છ વર્ષમાં મહિલાઓના નામે નોંધાયેલી મિલકતોનું સરવૈયું જોઇએ તો વર્ષ 2016-17માં સૌથી ઓછા 1.40 લાખ દસ્તાવેજો મહિલાઓને નામે નોંધાયા હતા. એ પછીનાં બે વર્ષ એમાં ક્રમશઃ વધારો થયો હતો. રાજ્યમાં મહિલાઓના સ્વતંત્ર નામે મિલકતોના દસ્તાવેજની નોંધણીનું પ્રમાણ વધી રહ્યું છે, પણ કુલ દસ્તાવેજોની સાપેક્ષમાં આ પ્રમાણ ઘણું ઓછું છે. છેલ્લાં 6 વર્ષમાં નોંધાયેલા કુલ દસ્તાવેજોની સંખ્યા 71.66 લાખ છે, જેની સામે મહિલાઓના નામે સ્વતંત્ર નોંધાયેલા દસ્તાવેજોની સંખ્યા 10.46 લાખ એટલે કે માત્ર 14.60 ટકા જેટલી જ છે.