સ્મૃતિ મંધાના ખૂબ જ સારા ફોર્મમાં છે અને વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણીમાં તેના બેટથી ઘણા રન મેળવી રહી છે. અત્યાર સુધી શ્રેણીની 2 મેચ રમાઈ છે અને બંનેમાં મંધાનાએ અડધી સદી ફટકારી છે. બીજી T20 મેચમાં ભારતીય મહિલા ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામે 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. મંધાના સિવાય બાકીના ભારતીય બેટ્સમેનો મેચમાં ખરાબ રીતે ફ્લોપ સાબિત થયા હતા. આ કારણથી ટીમને હારનો માર સહન કરવો પડ્યો હતો.
મંધાનાએ 62 રનની ઇનિંગ રમી હતી
સ્મૃતિ મંધાનાએ પણ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 મેચમાં હરમનપ્રીત કૌરની જગ્યાએ કેપ્ટનશિપની જવાબદારી સંભાળી હતી. આ મેચમાં તેણે 41 બોલમાં 62 રન બનાવ્યા જેમાં 9 ફોર અને 1 સિક્સ સામેલ હતી. મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ તેની 29મી અડધી સદી છે. આ સાથે તે મહિલા T20I ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારનારી ખેલાડી બની ગઈ છે અને તેણે ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. સુઝી બેટ્સે મહિલા T20I ક્રિકેટમાં 28 અડધી સદી ફટકારી છે. મંધાનાએ હવે મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અડધી સદી ફટકારવામાં તમામ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.
મહિલા T20I ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર ખેલાડીઓ:
- સ્મૃતિ મંધાના (ભારત)- 29
- સુઝી બેટ્સ (ન્યુઝીલેન્ડ) – 28
- બેથ મૂની (ઓસ્ટ્રેલિયા) – 23
- સ્ટેફની ટેલર (વેસ્ટ ઈન્ડિઝ) – 22
- સોફી ડિવાઇન (ન્યુઝીલેન્ડ) – 21
મહિલા T20Iમાં 3500 થી વધુ રન બનાવ્યા છે
28 વર્ષની સ્મૃતિ મંધાનાએ 2013માં ભારતીય ટીમ માટે T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં એક મહત્વપૂર્ણ કડી બની ગઈ. તેણે ભારત માટે અત્યાર સુધી 147 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 3684 રન બનાવ્યા છે. તે મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે છે.
હેલી મેથ્યુઝે ભારત પાસેથી મેચ છીનવી લીધી હતી
ભારત સામેની બીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન હેલી મેથ્યુઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ 20 ઓવર પછી 159 રન બનાવ્યા હતા. જ્યાં ભારત તરફથી મંધાનાએ અડધી સદી ફટકારી હતી. જ્યારે રિચા ઘોષે 32 રનની ઇનિંગ રમી હતી. આ ખેલાડીઓ સિવાય અન્ય ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ પછી વેસ્ટ ઈન્ડિઝ માટે હેલી મેથ્યુઝે 85 રન બનાવ્યા અને ટીમ માટે એકતરફી મેચ જીતી લીધી. ભારત તરફથી એકમાત્ર વિકેટ સાયમા ઠાકોરે લીધી હતી.