કોંગ્રેસથી નારાજ ધારાસભ્ય અશ્વિન કોટવાલ કોંગ્રેસથી છેડો ફાડે તેવા એંધાણ
અશ્વિન કોટવાલ જોડાઈ શકે છે ભાજપમાં
4 ટર્મથી ચૂંટાતા અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે: સૂત્ર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર શરૂ થવાના એંધાણ પૂરેપૂરા વર્તાઇ ચૂક્યા છે. કોંગ્રસ પાર્ટીથી નારાજ થયેલા ધારાસભ્યોના રિસામણા મનામણા ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં વધુ એકવાર ભંગાણ થવાના વરતારા દેખાઈ રહ્યા છે. ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે તેવી વાતોએ જોર પકડયું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી થઇ છે. કોંગ્રેસમાં નારાજગી અને પક્ષપલટાનો દોર શરુ થયો છે. ત્યારે ઘણા સમયથી નારાજ ચાલી રહેલા કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. અગાઉ ખેડબ્રહ્મા તાલુકા પંચાયત પણ તૂટી હતી ત્યારે હવે ફરી એકવાર કોંગેસને ફટકો પડી શકે છે. મહત્વનું છે કે અશ્વિન કોટવાલ પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે ત્યારે હવે જો અશ્વિન કોટવાલ પણ હાથનો સાથ છોડશે તો ગુજરાત કોંગ્રેસને ફટકો પડશે.
મહત્વનુ છે કે ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં કોંગ્રેસ 3-4 ટર્મથી જીતતી આવી છે. અશ્વિન કોટવાલ થકી કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સારુ પ્રભૂત્વ મેળવી રહી છે. આવા સમયમાં કોંગ્રેસ આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા માટેના જે કાર્યક્રમો કરી રહી છે તેમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. જે આવનાર ચૂંટણીને લઇને આદિવાસી મતવિસ્તારોનો આકર્ષવા કોંગ્રેસ માટે ઘણી ચિંતાજનક સાબિત થઇ શકે છે.