- યુક્રેનમાં ફસાયેલા ભારતીયો આવશે સ્વદેશ પરત
- વિદ્યાર્થીઓની પ્રથમ ટુકડી રવાના
- હાલમાં લગભગ 20 હજાર ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વાપસી હવે શરૂ થઈ ગઈ છે. તે બધાને રોમાનિયાના રસ્તે દેશમાં પાછા લાવવામાં આવશે. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણકે, હવે પશ્ચિમ યુક્રેનમાં લિવીવ અને ચેર્નિવત્સીમાં વિદેશ મંત્રાલયના કેમ્પ ફરીથી સક્રિય થયા છે. એક તસવીર પણ સામે આવી છે, જેમાં 25થી 30 ભારતીય વિદ્યાર્થીઓ ઘરે પરત ફરતા ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જોકે, ગઈકાલે ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત મોકલવાની તૈયારી શરૂ કરવામાં આવી હતી જ્યારે વિદેશ મંત્રાલયે પોલેન્ડ અને હંગેરીના માર્ગ દ્વારા બધાને બહાર કાઢવામાં આવશે તેવી માહિતી આપી હતી.
એવું કહેવામાં આવે છે કે, હાલમાં લગભગ 20 હજાર ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે. આ યાદીમાં ઘણા વિદ્યાર્થીઓ એવા વિદ્યાર્થીઓ છે, જે ત્યાં ભણવા ગયા હતા. કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં મેડિકલના વિદ્યાર્થીઓને બંકરમાં છુપાવવાની ફરજ પડે છે. આ કારણે હવે ભારત સરકાર દ્વારા બચાવ અભિયાનને વધુ સઘન બનાવવામાં આવી રહ્યું છે. ગઇકાલે પીએમ મોદીએ પુતિન સાથે ફોન પર વાતચીત દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની સલામતી તેમની સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. હવે તે વાતચીત બાદ આજે બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની પ્રથમ બેચ રવાના કરવામાં આવી છે.