જર્મન લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે શુક્રવારે કહ્યું કે તે 1 જાન્યુઆરી, 2025થી તેના વાહનોની કિંમતો વધારવા જઈ રહી છે. કંપનીએ કહ્યું કે 1 જાન્યુઆરીથી તેમની કાર 3 ટકા મોંઘી થઈ જશે. કંપનીએ વાહનોની કિંમતો વધારવા પાછળનું મુખ્ય કારણ પણ જણાવ્યું છે. મર્સિડીઝનું કહેવું છે કે ખર્ચમાં વધારો, મોંઘવારીનું દબાણ અને ઊંચા કામકાજના ખર્ચને કારણે તેણે આ પગલું ભરવું પડ્યું છે. મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ભારતમાં મર્સિડીઝ-બેન્ઝ લક્ઝરી કારની કિંમતમાં 2 લાખથી 9 લાખ રૂપિયાનો વધારો થશે.
કંપની બિઝનેસની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવા જઈ રહી છે.
1 જાન્યુઆરી, 2025થી મર્સિડીઝ GLC ક્લાસની કિંમતમાં રૂ. 2 લાખનો વધારો થશે અને Mercedes Maybach S 680 લક્ઝરી લિમોઝીનની કિંમતમાં રૂ. 9 લાખનો વધારો થશે. મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર સંતોષ અય્યરે જણાવ્યું હતું કે, “છેલ્લા ત્રણ ક્વાર્ટરથી અમે અમારા ખર્ચ માળખા પર વધતા દબાણનો સામનો કરી રહ્યા છીએ. આ મુખ્યત્વે કાચા માલની વધતી કિંમત, ચીજવસ્તુઓના ભાવમાં વધઘટ, લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો અને ફુગાવાને કારણે છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે ભાવમાં નજીવો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
ઓક્ટોબર 2024માં મર્સિડીઝ બેન્ઝના વેચાણમાં જોરદાર ઉછાળો આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે ઓક્ટોબર 2024માં મર્સિડીઝ બેન્ઝના વેચાણમાં જોરદાર વધારો થયો હતો. તહેવારોની સિઝનના કારણે કંપનીએ ઓક્ટોબરમાં કુલ 1792 વાહનોનું વેચાણ કર્યું હતું. જ્યારે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં મર્સિડીઝ બેન્ઝે માત્ર 1374 વાહનોનું વેચાણ કર્યું હતું. આ વર્ષે સપ્ટેમ્બરમાં મર્સિડીઝ બેન્ઝે કુલ 1308 વાહનોનું વેચાણ કર્યું હતું. બીજી તરફ, ભારતમાં મર્સિડીઝ-બેન્ઝની મુખ્ય હરીફ BMWએ ઓક્ટોબર 2024માં કુલ 1475 વાહનોનું વેચાણ કર્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં BMWએ કુલ 1165 વાહનોનું વેચાણ કર્યું હતું.