- Apple પછી હવે Googleની મોટી જાહેરાત
- Google એડ ટ્રેકિંગ સિસ્ટમ કરશે મર્યાદિત
- યુઝર્સને પ્રાઈવસી આપવા લેવાયો નિર્ણય
ગૂગલ દ્વારા એન્ડ્રોઈડ ડિવાઈસમાં થતું એડવર્ટાઈઝમેન્ટ, યુઝર્સ, સર્ચ વગેરે ટ્રેકિંગ ઓછું કરાશે. એપલે યુઝર્સને વધુ પ્રાઈવસી આપવા માટે થોડા સમય પહેલા નવી સિક્યુરિટી પોલિસી અમલમાં મુકી છે. એપલની એ નીતિ પછી ફેસબૂક-મેટાના શેરમાં જંગી કડાકો થયો હતો. કેમ કે ફેસબૂક સતત તેના વપરાશકારોની બધી વિગતોની જાસૂસી કરે છે અથવા તો ટ્રેકિંગ કરે છે. દરેક ઈન્ટરનેટ કંપનીનો બિઝનેસ ટ્રેકિંગ પર જ ચાલે છે. યુઝર્સ શું સર્ચ કરે છે કે શું જુએ છે તેની વિગતો ભેગી કરીને ઈન્ટરનેટ કંપનીઓ એડવર્ટાઈઝમેન્ટ બતાવે છે.
મોટા ભાગના યુઝર્સ જાણતા હોતા નથી કે ગૂગલ, ફેસબૂક, એપલ, એમેઝોન જેવી કંપનીઓ સતત તેમના પર નજર રાખે છે. એટલે જ કોઈ વ્યક્તિ અમદાવાદથી મુંબઈની એર ટિકિટ બુક કરાવે તો તુરંત ઈન્ટરનેટ પર મુંબઈમાં ઉતરવા માટે હોટેલ કે મુસાફરી માટે ટેક્સી ક્યાં મળશે તેની જાહેરખબર દેખાવા લાગે છે. ગૂગલે દાખલ કરેલી નવી પોલિસીને પ્રાઈવસી સેન્ડબોક્સ નામ આપ્યું છે.
આખા જગતના સ્માર્ટફોન પૈકી મોટા ભાગના ગૂગલની એન્ડ્રોઈડ અને એપલની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. ગૂગલની અબજોની આવક તેની એડવર્ટાઈઝમેન્ટ ટ્રેકિંગ સિસ્ટમમાંથી જ આવે છે. પરંતુ એપલે પ્રાઈવસી અંગેના કડક ધોરણો અપનાવ્યા છે. એટલે એપલની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ હોય એવા ફોનમાં કોઈ એપ યુઝર્સની સહમતી વગર માહિતી ટ્રેક કરી શકતા નથી. તેના કારણે ફેસબૂક સહિત ઘણી કંપનીઓને નુકસાન થયું છે. એપલના આ નિર્ણય પછી ગૂગલ પર પણ પ્રેશર આવ્યું હતું. માટે ગૂગલે આજે નવી પ્રાઈવસી પોલિસીની જાહેરાત કરી દીધી હતી.