ગીર સોમનાથમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. આગળના આદેશો સુધી સંબંધિત જમીનનો કબજો સરકાર પાસે રહેશે.
આ પહેલા સુપ્રીમ કોર્ટમાં સોમનાથમાં થયેલા ડિમોલીશન મામલે સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટ તરફથી આક્રમક વલણ અપનાવવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે 17 સપ્ટેમ્બરના આદેશનું ઉલંઘન કરીને આ ડિમોલીશન હાથ ધરાયું હશે તો જવાબદાર અધિકારીઓએ જેલ જવાની તૈયારી રાખવી પડશે. સરકારે તોડી પડાયેલા દબાણો ફરી બાંધી આપવા જોશે.
ગુજરાત હાઈકોર્ટમાં પ્રભાસપાટણના સમસ્ત પટ્ટણી મુસ્લિમ સમાજ ટ્રસ્ટ દ્વારા વચગાળાની રાહતની અરજી ફગાવી દીધાબાદ સુપ્રીમ કોર્ટમાં તેના બુલ્ડોઝર પર સ્ટેના તા. 17 સપ્ટેમ્બરના હુકમની અવગણનાની અરજી થઈ હતી. જેમાં સમસ્ત પટ્ટણી મુસ્લિમ સમાજ ટ્રસ્ટ દ્વારા દલીલ કરાઈ હતી કે, સુપ્રીમ કોર્ટની પૂર્વ મંજુરી વગર 57 એકરમાં ફેલાયેલી પાંચ દરગાહ, 10 મસ્જીદ અને 45 ઘરનું ડિમોલીશન કરવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટનો હુકમ હોવા છતાં 9 બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. અને સુપ્રીમ યથાસ્થિતિ જાળવી રાખવાના હુકમ નહીં આપે તો બીજા દિવસે જ આ બાંધકામો તોડી પાડવામાં આવશે.મુસ્લિમ ટ્રસ્ટ વતી વકીલ સંજય હેગડેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મિલકતો કોઈપણ અપવાદમાં આવતી નથી અને એવી આશંકા વ્યક્ત કરી હતી કે સુનાવણીના બીજા દિવસે, આ મિલકતો તોડી પાડવામાં આવશે. સમગ્ર વિસ્તારની સ્થિતિ બદલાઈ જશે. 9 બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. આ 57 એકરનો વિસ્તાર છે જે જૂના જૂનાગઢ રાજ્ય દરમિયાન આપવામાં આવ્યો હતો. આ મામલે બેન્ચે કોઈ વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. આ બાબતની સુનાવણી 16 ઓક્ટોબરે હાથ ધરાઇ હતી. આ અરજીમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ, કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ગીર સોમનાથ, સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ પુલીસ ગીર સોમનાથ અને અન્ય પક્ષોને પ્રતિવાદી બનાવાયા હતા
સુપ્રીમના ઓર્ડરમાં જળાશયની આજુબાજુ દબાણ દૂર કરવાની છૂટ હતી તેથી કાર્યવાહી કરી: સરકારનો બચાવ
ગુજરાત સરકારપક્ષે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે, સુપ્રીમ કોર્ટનો 17 સપ્ટેમ્બરનો આદેશ બહુ સ્પષ્ટ છે. જેમાં જાહેર જગ્યા અને જળાશયની આસપાસની જમીનો પર દબાણ હોય તો દૂર કરી શકાય છે. 2023માં જ આ જમીન ખાલી કરવા માટે નોટીસો આપી દેવામાં આવી હતી.