વાવ બેઠક ઉપર ઉમેદવારોની મથામણનો અંત આવ્યો છે. કોંગ્રેસનાં ઉમેદવાર જાહેર થયા બાદ હવે ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપુતના નામની મહોર લાગ્યા બાદ ભાજપે સ્વરૂપજી ઠાકોરનાં નામની જાહેરાત કરી છે.
છેલ્લા ઘણા સમયથી વાવ બેઠક હાઇપ્રોફાઇલ રહી છે. કોંગ્રેસના ગેની બેન ઠાકોરનો દબદબો રહ્યો છે. જનતાનાં લોકપ્રિય નેતા તરીકે ગેની બેન ઉભરી આવતા લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક કબ્જે કરવા કોંગ્રેસે ગેની બેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં કોંગ્રેસ સફળ રહી હતી.
ગેની બેન ઠાકોર સાંસદ બનતા વાવ બેઠક ખાલી પડી હતી. ગેની બેનની લોકપ્રિયતાને કારણે વાવ બેઠક પર કોંગ્રેસનું વર્ચસ્વ વધુ છે. ભાજપ માટે વાવ બેઠક મહત્વની છે. બેઠક કબ્જે કરવા એડીચોટીનું જોર લગાવી રહી છે.
કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતની પસંદગી કર્યા બાદ ભાજપે મેન્ડેટ આપવા અંગે ખુબ વિચાર કર્યો અંતે સ્વરૂપજી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે.
ભાજપ તરફથી પહેલા 9 ઉમેદવારોને ફોર્મ ભરવા અંગેની સુચના આપવામાં આવી હતી. કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા બાદ ભાજપે સ્વરૂપજી ઠાકોર સિવાય અન્ય ઉમેદવારોને ફોર્મ ન ભરવાનો આદેશ આપવો પડ્યો. ઉલ્લેખનિય છે કે લાલજી પટેલ સહીતનાં ઉમેદવારો ફોર્મ ભર્યા વગર પરત ફર્યા હતા.