- આવતીકાલે રાજ્યના તમામ CNG પંપ રહેશે બંધ
- 3 વર્ષથી પેન્ડિંગ માર્જિનના પ્રશ્નના ઉકેલ માટે આંદોલન શરૂ
- સીએનજી ડીલર્સે આંદોલન માટે કરી જાહેરાત
મોટા સમાચાર આવ્યા છે. આવતીકાલે રાજ્યના તમામ CNG પંપ રહેશે બંધ. ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ દ્વારા રાજ્યના 1,200 CNG પંપ ખાતે ગુરૂવારે 2 કલાક માટે સીએનજી વેચાણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં વધુ એક આંદોલનના એંધાણ જોવા મળી રહ્યા છે. ગુરૂવારે એટલે કે 17 ફેબ્રુઆરી, 2022ના રોજ બપોરના 01:00થી બપોરના 03:00 વાગ્યા સુધી રાજ્યના તમામ સીએનજી પંપ બંધ રહેશે.
છેલ્લા 3 વર્ષથી પેન્ડિંગ માર્જિનના પ્રશ્નના ઉકેલ માટે ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ દ્વારા આ પ્રકારે ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સીએનજી ડીલર્સના કહેવા પ્રમાણે વર્ષ 2019માં CNG ગેસ માટે ડીલર માર્જિન વધારી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એ વાતને 30 મહિના વીતી જવા છતાં પણ ડીલર માર્જિનમાં કોઈ વધારો ન થયો હોવાથી નાછૂટકે આ અભિયાન શરૂ કરવું પડ્યું છે. આ મામલે ઓઈલ કંપનીઓને અનેક રજૂઆત કરવામાં આવેલી જેની અવગણના થઈ છે. આ કારણે ત્રણેય કંપની સામે ડિલર્સ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે અને ગ્રાહકોને પડતી તકલીફની જવાબદારી ઓઈલ કંપનીની રહેશે.