દિવાળીના તહેવારો શરૂ થવામાં હવે ગણતરીનાં દિવસો બાકી છે. લોકોમાં અનેરો ઉત્સાહ છે સાથે સાથે દિવાળી ક્યારે ઉજવવી તે પળોજણ પણ છે. વારાણસી, ઉજ્જૈન, નાથદ્વારા,દ્વારકા, મથુરા, વૃંદાવન, તિરૂપતિમાં 31 ઑક્ટોબરે જ્યારે અયોધ્યા-રામેશ્વરમાં 1 નવેમ્બરે દિવાળીની ઉજવણી કરવામાં આવે તેવી શક્યતા છે. દિવાળીને લઇને આ વર્ષે પણ જ્યોતિષાચાર્યો-શાસ્ત્રવિદોમાં મતભેદ છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્યોનાં મતે આ વર્ષે 31 ઑક્ટોબરે જ દિવાળી મનાવવી શ્રેષ્ઠ છે. લક્ષ્મી પૂજા માટે સાંજનો સમય હોવો જરૂરી છે. 31 ઑક્ટોબરે સંધ્યાકાળના સમયે અમાસ છે એટલે આ દિવસે જ દિવાળી ઉજવવી જોઈએ. બનારસ હિન્દુ મહાવિશ્વવિદ્યાલયના જ્યોતિષ વિભાગના મતે 1 નવેમ્બરે દિવાળી છે જ નહીં. તેઓ માને છે કે 31 ઑક્ટોબરે જ દિવાળી ઉજવવી જોઈએ. અયોધ્યા રામમંદિરનાં મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીનું કહેવું છે કે તિથિ અલગ અલગ લખે છે જે યોગ્ય નથી. દિવાળી 1 નવેમ્બરે ઉજવવી જોઇએ.
આ અંગે જ્યોતિષી અગ્નિદત્ત પદ્મનાભ અગ્નિહોત્રીએ જણાવ્યું કે, ‘31 ઑક્ટોબરે સાંજે ચાર વાગ્યાથી અમાસ છે. દિવાળીએ રાતનો તહેવાર છે અને જેના કારણે 31મીએ જ દિવાળીની ઉજવણી કરવી જોઈએ. 1 નવેમ્બરના સાંજે પાંચ સુધીના અમાસ પૂર્ણ થઈ જતી હોવાથી ત્યારે દિવાળી કરી શકાય નહીં. દિવાળીના પૂજન 31 ઑક્ટોબરે થવા જોઈએ. આ વખતે બારસ છે ત્યારે ધન તેરસ અને તેરસ છે ત્યારે કાળી ચૌદશ છે.
શાસ્ત્રવિદ્ સિદ્ધાર્થ શર્માએ કહ્યું કે, “સૂર્યોદય-સૂર્યાસ્તના સમયમાં ફેરફાર પ્રમાણે કેટલાક સ્થાનોએ દિવાળીની ઉજવણીની તારીખમાં ફેરફાર છે. પરંતુ આપણે ત્યાં 31 ઑક્ટોબરે જ દિવાળી ઉજવાવી જોઈએ. 1 નવેમ્બરે પડતર દિવસ છે અને 2 નવેમ્બરના નૂતન વર્ષ જ્યારે 3 નવેમ્બરના ભાઈ બીજ છે.’
આ વર્ષે પણ પળોજણ
દિવાળી બાદ પડતર દિવસની ઉજવણી સતત બીજા વર્ષે સર્જાઈ છે. ભારતીય પંચાંગ પ્રમાણે ચંદ્રની કળાઓને 30 ભાગમાં વહેચવામાં આવી છે જ્યારે હકીકતમાં ચંદ્ર એ 30 કળાઓને 30 દિવસ કરતાં ઓછા સમયમાં પૂર્ણ કરી લે છે. આથી દર મહિને પંચાંગમાં એકાદ તિથિનો ક્ષય કે વૃદ્ધિ થતી જોવા મળે છે. પડતર દિવસે સૂર્યોદય સમયે હજુ અમાસ હોય છે અને નવા વર્ષની પહેલી તિથિ શરૂ થઈ હોતી નથી. કેટલાંક વિસ્તારોમાં આ વધારાનો દિવસ ગણી નવું વર્ષ બીજે દિવસે ઉજવાય છે તો કેટલાંક વિસ્તારોમાં આ દિવસને અવગણી તેને જ નવા વર્ષના પ્રારંભનો દિવસ ગણી ઉજવણી કરાય છે.