- ICC એ ઈનામની રકમોમાં કર્યો વધારો
- આગામી મહિલા વર્લ્ડ કપ માટે ઇનામી રકમની જાહેરાત કરી
- વિજેતા ટીમને 13 લાખ 20 હજાર ડોલર અપાશે
ICC એ આગામી મહિલા વર્લ્ડ કપ માટે ઇનામી રકમની જાહેરાત કરી છે. આ મુજબ વિજેતા ટીમને 13 લાખ 20 હજાર ડોલર એટ્લે કે 9.93 કરોડ રૂપિયા ની ઈનામી રકમ મળશે. વર્ષ 2017માં ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપની ચેમ્પિયન ટીમને મળેલી રકમ કરતાં આ રકમ બમણી છે. ICCએ પ્રેસ રિલીઝ જાહેર કરીને આ અંગેની માહિતી આપી છે. આ મુજબ ટૂર્નામેન્ટની કુલ ઈનામી રકમમાં 75 ટકાનો વધારો થયો છે. $3.5 મિલિયનની ઈનામી રકમ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી આઠ ટીમોમાં વહેંચવામાં આવશે, જે અગાઉની ટુર્નામેન્ટ કરતા $1.5 મિલિયન વધુ છે.
ટુર્નામેન્ટની રનર-અપ ટીમને $600,000 ની ઈનામી રકમ મળશે, જે 2017ની રનર-અપ કરતા $2.7 મિલિયન વધુ છે. ઉલ્લેખનીય છે કે, 2017ના મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમ રનર અપ રહી હતી. સેમીફાઈનલમાં હારનાર બંને ટીમોને ત્રણ-ત્રણ લાખ ડોલર મળશે. તે જ સમયે, ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયેલી ચાર ટીમોમાંથી દરેકને $70,000 મળશે, જે અગાઉની ટુર્નામેન્ટમાં $30,000ની સરખામણીમાં બમણાથી વધુ છે. ગ્રુપ સ્ટેજ જીતનાર દરેક ટીમને $700,000 માંથી દરેક જીત માટે $25,000 પ્રાપ્ત થશે. ગત વર્લ્ડ કપમાં ભારતને નવ રને હરાવીને ચોથી વખત ટાઈટલ જીતનાર ઈંગ્લેન્ડને છ લાખ 60 હજાર ડોલરની રકમ મળી છે.
ન્યુઝીલેન્ડમાં યોજાનારા આ વર્લ્ડ કપમાં કુલ 28 ગ્રુપ મેચો રમાશે, જે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. તમામ આઠ ટીમોને એક-બીજા સામે એકવાર રમવાની તક મળશે. વિજેતા ટીમને બે પોઈન્ટ મળશે જ્યારે ટાઈ અથવા પરિણામ ન આવવાની સ્થિતિમાં બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. ત્યારબાદ પોઈન્ટ ટેબલની ટોચની ચાર ટીમો સેમીફાઈનલમાં પ્રવેશ કરશે.