અમદાવાદ કલેકટર કચેરી ખાતે કલેક્ટર પ્રવીણા ડી. કે. ના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યઓએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ બેઠકમાં પ્રશ્નોના ઉકેલ માટે ઝડપથી ઉકેલ લાવવા કલેક્ટરે સબંધિત અધિકારીઓને સૂચના અપાઇ હતી.
આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યે બાવળા- ધોળકા રોડ પર ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા અને બાવળામાં સફાઈ અને ગેરકાયદેસર દબાણો દૂર કરવા રજૂઆત કરી હતી. જ્યારે શહેરી વિસ્તારના ધારાસભ્યઓએ પોતાના મતવિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા અને અશાંતધારાનો ચુસ્તપણે અમલ કરાવવા તથા કાયદો અને વ્યવસ્થાનું યોગ્ય અમલ કરાવવા બાબતે રજૂઆત કરી હતી. આ ઉપરાંત એસ. ટી. બસ સ્ટોપેજ, ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને સ્થળ પર જ કીટનું વિતરણ, ગટર અને સેનિટેશનને લગતા પ્રશ્નો, આપવા સહિતના પ્રશ્નો ધારાસભ્ય દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબેન વાઘેલા, ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, હર્ષદ પટેલ, દિનેશસિંહ કુશવાહ, કૌશિકભાઈ જૈન, જીતેન્દ્ર પટેલ, ઇમરાનભાઈ ખેડાવાલા, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, નિવાસી અધિક કલેકટર સુધીર પટેલ, અધિક નિવાસી નાયબ કલેકટર હાર્દ શાહ સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.