- એબીજી શિપયાર્ડના ડિરેક્ટરો પર સીબીઆઇમાં ફરિયાદ
- એબીજી શિપયાર્ડના ડિરેક્ટરો પર 28 બેંકો સાથે ઠગાઈની ફરિયાદ
- 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપ
સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટીગેશનએ એબીજી શિપયાર્ડ અને તેના ડિરેક્ટરો પર 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની ઠગાઈના કેસમાં ફરિયાદ નોંધી છે. CBIએ ABG શિપયાર્ડ અને તેના તત્કાલિન અધ્યક્ષ તથા નિર્દેશક ઋષિ કમલેશ અગ્રવાલ સહિત અન્ય વિરુદ્ધ 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપમાં FIR નોંધવામાં આવી છે. જણાવી દઇએ કે, આ કંપની જહાજ નિર્માણ અને જહાજ રિપેરીંગનું કામ કરે છે. તેનું શિપયાર્ડ ગુજરાતના દહેજ અને સૂરતમાં આવેલા છે. આ કંપનીની કુલ 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
FIRમાં જણાવ્યા અનુસાર કૌભાંડનો સમય એપ્રિલ 2012થી જૂલાઈ 2017 સુધી બતાવામાં આવ્યો છે. આ સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલ સૌથી મોટી બેંક કૌભાંડનો કિસ્સો છે એસબીઆઈના ડીજીએમે ગુજરાતની કેટલીય કંપનીઓ પર 22842 કરોડનો ફ્રોડનો આરોપ લગાવ્યો છે.
આ કૌભાડને બૈંકીંગ ફ્રોડમાં અત્યાર સુધીનો સૌથી મોટું કૌભાંડ કહેવાય છે. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ની ફરિયાદ અનુસાર, કંપનીએ બેંક પાસેથી 2925 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જ્યારે ICICI બેંક પાસેથી 7089 કરોડ, IDBI બેંક પાસેથી 3634 કરોડ, બેંક ઑફ બરોડા પાસેથી 1614 કરોડ, પંજાબ નેશનલ બેંક (PNB) પાસેથી 1244 અને ઈન્ડિયન ઑવરસિઝ બેંક (IOB) પાસેથી 1228 કરોડ રૂપિયા લેવાના બાકી છે. બેંકે સૌથી પહેલા 8 નવેમ્બર 2019ના રોજ ફરિયાદ દાખલ કરી હતી. જેના પર સીબીઆઈએ 12 માર્ચ 2020ના રોજ અમુક સ્પષ્ટીકરણ માગ્યા હતા. બેંકે તે વર્ષે ઓગસ્ટમાં એક નવી ફરિયાદ નોંધાવી હતી. દોઢ વર્ષથી વધારે સમય સુધી તપાસ કર્યા બાદ સીબીઆઈએ 7 ફેબ્રુઆરી 2022ના રોજ ફરિયાદ પર કાર્યવાહી કરી છે.