સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બતાવ્યું અને તેને 86 રને જીતી લીધી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતની સૌથી ખાસ વાત એ હતી કે યુવા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા જેમાં ઓલરાઉન્ડર નીતિશ કુમારની મોટી ભૂમિકા હતી. નીતિશે બેટથી માત્ર 34 બોલમાં 74 રનની આક્રમક ઈનિંગ રમી તો બોલિંગમાં 2 વિકેટ પણ લેવામાં સફળ રહ્યો. આ સિવાય રિંકુ સિંહ પણ 29 બોલમાં 53 રનની ઇનિંગ રમવામાં સફળ રહ્યો હતો. કેપ્ટન સૂર્યાએ બોલિંગમાં કુલ 7 બોલરોનો ઉપયોગ કર્યો હતો પરંતુ તેમાં હાર્દિક પંડ્યાનું નામ સામેલ નહોતું, જેનું કારણ સૂર્યકુમાર યાદવે મેચ બાદ જણાવ્યું હતું.
હું અન્ય બોલરોને જોવા માંગતો હતો
બાંગ્લાદેશ સામેની બીજી T20 મેચમાં જીત બાદ ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે હું એ જોવા માંગતો હતો કે અમારા મધ્યમ ક્રમના બેટ્સમેનો આવી પરિસ્થિતિઓમાં કેવું પ્રદર્શન કરે છે. રિંકુ અને નીતીશ બંનેનું પ્રદર્શન જોઈને હું ખૂબ જ ખુશ છું, તેઓએ અમારી ઈચ્છા મુજબ બેટિંગ કરી. મેદાન પર આવ્યા પછી તમારે તમારી રમત રમવી જોઈએ, ફક્ત જર્સી બદલાઈ છે પરંતુ અન્ય વસ્તુઓ સમાન છે. હું અન્ય બોલરોને જોવા માંગતો હતો અને તેઓ અલગ-અલગ સ્થિતિમાં કેવી રીતે બોલિંગ કરે છે. કારણ કે ક્યારેક એવું થશે કે હાર્દિક બોલિંગ નહીં કરે કે વોશિંગ્ટન સુંદર બોલિંગ નહીં કરે, આવી સ્થિતિમાં અન્ય બોલર્સ કેવી રીતે પરિસ્થિતિને હેન્ડલ કરે છે તે જોવું જરૂરી છે અને હું તેમનું પ્રદર્શન જોઈને ખૂબ ખુશ છું. આજે સંપૂર્ણ રીતે નીતીશનો દિવસ હતો અને મને લાગ્યું કે તેમને તેનો પૂરો આનંદ માણવા દેવો જોઈએ.
ભારતે બાંગ્લાદેશ સામે T20માં પોતાની સૌથી મોટી જીત નોંધાવી છે
ટીમ ઈન્ડિયાએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી શ્રેણીની બીજી T20 મેચ 86 રને જીતી છે, જે આ ફોર્મેટમાં બાંગ્લાદેશ સામેની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. આ પહેલા આ વર્ષે રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં નોર્થ સાઉન્ડમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 50 રનથી હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયાની નજર આ શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવા પર છે, જેમાં છેલ્લી મેચ 12 ઓક્ટોબરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.