- હરામીનાળામાંથી BSFએ 9 પાકિસ્તાની બોટ પકડી
- બોટમાં આવેલા લોકોની શોધખોળ શરૂ
- શોધખોળ માટે BSF દ્વાર અભિયાન શરૂ કરાયું
કચ્છમાં પાકિસ્તાની બોર્ડર પર આવેલા હરામીનાળા મારફત પાકિસ્તાનીઓ વારંવાર ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરતા હોય છે અને તેની બોટ પકડાતી હોય છે. આવી જ એક સાથે પાકિસ્તાનની 9 બોટ BSFની કચ્છની કાર્યવાહી દરમિયાન પકડાઈ છે. આ તમામ બોટ ભારતીય સરહદમાંથી જપ્ત કરાઈ છે. બોટમાં સવાર માછીમારો ક્યાં ગયા તેની શોધખોળ ચાલી રહી છે. આ ઉપરાંત આવી અન્ય બોટની પણ શોધખોળ માટે BSF દ્વાર અભિયાન શરૂ કરાયું છે. પાકિસ્તાન દ્વારા તાજેતરમાં માછીમારો સાથેની ભારતીય બોટનુ અપહરણ કરાયુ હતું ત્યારે હવે કચ્છ સરહદે BSFના પેટ્રોલિંગ અને કોમ્બિંગ દરમ્યાન 9 જેટલી બોટ પકડાઇ છે. આ બોટ પાકિસ્તાનના માછીમારોની છે કે તેમાં અન્ય કોઇ ઘુસણખોર હતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત વધુ બોટ તથા માછીમારો હોવાની શક્યતાને ધ્યાને રાખી BSFનુ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કુલ 13 ફિશિંગ બોટ અને 78 જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે અને હજુ અપહ્યત બોટ તથા માછીમારોની સંખ્યા વધે તેવી શક્યતા છે. પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય જળસીમામાં ઘૂસીને માછીમારો અને બોટનું અપહરણ કરવાનો આ એક સપ્તાહમાં ચોથો બનાવ છે.
એક અહેવાલ પ્રમાણે હાલ 600 જેટલા ભારતીય માછીમારો અને 1,200 જેટલી ભારતીય બોટ પાકિસ્તાનના કબજામાં છે. પોરબંદરમાં IMBL પાસેથી 2 ભારતીય બોટ અને 16 જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન મરીને માછીમારો ભારતીય જળ સરહદમાં હોવા છતાં તેમને માછીમારી ન કરવા માટે સૂચના આપી હતી. તેમનો ભારતીય માછીમારો સાથેની વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો છે જેમાં પાકિસ્તાન મરીનના અધિકારી ભારતીય માછીમારોને પાછા વળી જવાનો ઓર્ડર કરી રહ્યા છે. જોકે માછીમારોના કહેવા પ્રમાણે તેઓ ભારતીય જળસીમાની 10 કિમી અંદર તરફ માછીમારી કરી રહ્યા હતા અને ખોટી રીતે દબાણ કરીને અપહરણ કરવામાં આવ્યું છે.