- રાજ્યના લોકોને બે ઋતુનો અનુભવ થશે
- બપોરે ગરમી અને સાંજે ઠંડી પડશે
- હજુ 24 કલાક ઠંડીનો થશે આનુભાવ
ગુજરાતમાં હાલ લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે અને મોડી સાંજથી ઠંડી હોય છે જ્યારે બપોરે ગરમી લાગે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આવતીકાલથી ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યમાં લધુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો જોવા મળશે. જેના કારણે ગરમીમાં વધારો નોંધાશે. સાથે જ માવઠાની હાલમાં કોઇ સંભાવના ન હોવાનું પણ વ્યક્ત કર્યુ છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં શિયાળો વિદાય લેવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, થોડા દિવસો રાહત આપ્યા બાદ રાજ્યમાં ફરીથી છેલ્લા થોડા દિવસથી ઠંડીની શરૂઆત થઈ રહી છે.
જે અંતર્ગત આગામી 24 કલાક સુધી રાજ્યમાં ઠંડીનો અનુભવ થશે. રાજ્યના નાગરિકોને હવે એક દિવસ બાદ ઠંડીથી રાહત મળવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદમાં બેવડી ઋતુનો અનુભવ થશે. જેમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડી રહેશે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. દેશના હવામાનની વાત કરીએતો આજે, ઉત્તર ભારતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ દિલ્હી-NCRના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ અંગે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં વરસાદની સંભાવના છે. આગામી 24 કલાકમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તે જ સમયે, હરિયાણા, રાજસ્થાન, પંજાબમાં હળવા વરસાદની સંભાવના છે.