ચેન્નાઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમે આ મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. આર અશ્વિનની સદીના આધારે ભારતે પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા, જેના જવાબમાં બાંગ્લાદેશનો પ્રથમ દાવ માત્ર 149 રનમાં સમેટાઈ ગયો હતો. હવે ભારતે ઋષભ પંત અને શુભમન ગિલની શાનદાર ભાગીદારીના કારણે બીજી ઈનિંગમાં 300થી વધુ રનની લીડ મેળવી લીધી છે.
દરમિયાન, ચેન્નાઈ ટેસ્ટમાં ત્રીજા દિવસની શરૂઆત સાથે જ શુભમન ગિલે પોતાની અડધી સદી પૂરી કરી હતી. ગિલે 30મી ઓવરમાં મેહદી હસન મિરાજની બોલ પર 2 ગગનચુંબી છગ્ગા ફટકારીને અડધી સદી ફટકારી હતી. ઓવરના બીજા બોલ પર, ગિલે તેની ઇનિંગની પ્રથમ છગ્ગો ફટકારી અને પછી 5માં બોલ પર તેણે બોલને બાઉન્ડ્રી લાઇનની પાર મોકલીને શાનદાર ફિફ્ટી ફટકારી. તેણે 2 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી તેની ટેસ્ટ કારકિર્દીની 7મી અડધી સદી ફટકારી હતી. આ ઇનિંગ દરમિયાન બીજી સિક્સર મારવાની સાથે જ ગિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સિક્સર મારવાની મહાન સિદ્ધિ પણ હાંસલ કરી છે. આ મેચ પહેલા તેને 100 આંતરરાષ્ટ્રીય સિક્સર પૂરી કરવા માટે માત્ર 2 સિક્સરની જરૂર હતી.
ગિલની ખાસ ‘સો’
શુભમન ગિલે ટેસ્ટ ક્રિકેટમાં 26, ODIમાં 52 અને T20I ક્રિકેટમાં 22 સિક્સર ફટકારી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સિક્સર મારનાર તે 17મો ભારતીય બેટ્સમેન છે. ગિલે અત્યાર સુધી 26 ટેસ્ટ મેચોની 48 ઇનિંગ્સમાં 36ની એવરેજથી 1548 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 7 અડધી સદી સામેલ છે.
ચેન્નાઈ ટેસ્ટની વાત કરીએ તો ત્રીજા દિવસે પહેલા સેશનમાં ઋષભ પંત અને શુભમન ગિલ વચ્ચે ચોથી વિકેટ માટે 50થી વધુ રનની ભાગીદારી થઈ હતી. પ્રથમ દાવના સ્કોરના આધારે ભારત બાંગ્લાદેશ પર 350 રનથી વધુની લીડ ધરાવે છે. ભારતે બીજા દાવમાં 37 ઓવરમાં 3 વિકેટે 123 રન બનાવ્યા છે. ગિલ 57 અને પંત 30 રને અણનમ છે.