- ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહીમને 21 દિવસની પેરોલ
- પંજાબમાં વોટિંગના 13 દિવસ પહેલા મળ્યા પેરોલ
- દુષ્કર્મ અને હત્યા કેસમાં સજા કાપે છે ગુરમીત રામ રહીમ
દુષ્કર્મ અને હત્યા કેસમાં સજા કાપનાર ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામરહીમની 21 દિવસની પેરોલ મંજૂર કરવામાં આવી છે. ગુરમીત હરિયાણાની રોહતક જેલમાં બંધ છે. તેને પંજાબમાં ચૂંટણીના 13 દિવસ પહેલાં જ પેરોલ આપવામાં આવી છે. પંજાબના 23 જિલ્લામાં 300 મોટા ડેરા છે, જેની સીધી અસર એ વિસ્તારની રાજનીતિ પર છે. આ ડેરા પંજાબના માઝા, માલવા અને દોઆબા વિસ્તારમાં આવેલા છે. ડેરા સચ્ચા સૌદા હરિયાણાના સિરસા જિલ્લામાં આવેલું છે. એની પંજાબની માલવા વિસ્તારની અંદાજે 69 સીટ પર પ્રભાવ છે. ગુરમીત રામરહીમને પેરોલને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. સિરસા ડેરાના પ્રમુખ રામરહીમને 21 દિવસની ફર્લો છુટ્ટીની અરજી હરિયાણા જેલ વિભાગે મંજૂર કરી દીધી છે.
રોહતકના કમિશનરની મંજૂરી પછી તેને જેલની બહાર લાવવામાં આવશે. રામરહીમને પેરોલ મળ્યાની માહિતી સિરસા ડેરાને પણ મળી ગઈ છે. ત્યાં હાજર શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ છે. ત્યાંથી એક કાફલો રામરહીમને લેવા રોહતક સુનારિયા જેલ માટે રવાના પણ થઈ ગયો છે. રામરહીમ બે સાધ્વીના રેપ અને બે હત્યાના આરોપમાં સુનારિયા જેલમાં બંધ છે. હરિયાણાના જેલમંત્રી રણજિત સિંહ ચૌટલાએ બે દિવસ પહેલાં નિવેદન આપ્યું હતું કે પેરોલ મળવી દરેક કેદીનો હક છે. ત્યાર પછી રામરહીમને 21 દિવસની પેરોલ મળી ગઈ છે. જોકે રામરહીમને પેરોલ દરમિયાન એક કડક શરત મૂકી છે કે તે 21 દિવસ પોલીસની નજરમાં રહેશે. તેણે મોટા ભાગનો સમય ડેરામાં જ પસાર કરવો પડશે.
વર્ષ 2007, 2012, 2017ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ડેરાની સંપૂર્ણ રીતે ભાગીદારી છે. 2014ની લોકસભા ચૂંટણી અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ડેરા-પ્રમુખે વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશનને સમર્થન આપ્યું હતું. દરેક નેતા વોટના રાજકારણ માટે ડેરામાં માથું ટેકવા પહોંચે છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરેન્દ્ર સિંહ પણ વિધાનસભા ચૂંટણી પહેલાં પત્ની અને પરિવાર સાથે ડેરામાં પહોંચી ચૂક્યા છે. બાદલ પરિવાર પણ ડેરામાં હાજરી આપી ચૂક્યા છે.