- ટીમ ઈન્ડિયાના 9 ખેલાડીઓ થયા કોરોના સંક્રમિત
- બોર્ડ ખેલાડીઓના રિપ્લેસમેન્ટ અંગેની જાહેરાત કરી શકે છે
- BCCIની મેડિકલ ટીમ સ્થિતિ પર નજર રાખી રહી છે
વેસ્ટઈન્ડિઝ સામે 6 ફેબ્રુઆરીથી શરૂ થનારી વનડે સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્પોર્ટસ્ટારના સમાચાર મુજબ ભારતીય ક્રિકેટ ટીમના 8 ખેલાડી કોરોના પોઝિટિવ થયા છે. આ ખેલાડીઓમાંથી શિખર ધવન, રુતુરાજ ગાયકવાડ અને શ્રેયસ અય્યરના નામ સામે આવ્યા છે. આ ખેલાડીઓ કોરોના સંક્રમિત થતા મયંક અગ્રવાલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં મળતી જાણકારી અનુસાર અક્ષર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે હજી તે અમદાવાદમાં ટીમ સાથે જોડાયો નથી. તેનું સિલેક્શન વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ T-20 સિરીઝમાં થયું છે.
હાલ આખી ટીમ આઈસોલેશનમાં છે. BCCIની મેડિકલ ટીમ સ્થિતિ પર નજર રાખી રહી છે અને બોર્ડ ટૂંક સમયમાં જ ખેલાડીઓના રિપ્લેસમેન્ટ અંગેની જાહેરાત કરી શકે છે. હાલ ટીમ ઈન્ડિયા અમદાવાદમાં છે જ્યાં તેઓ પહેલી વનડે રવિવારે 6 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. BCCIએ હાલ તમિલનાડુના ઓલરાઉન્ડર શાહરુખ ખાન અને લેગ સ્પિનર સાઈ કિશોરને વેસ્ટઈન્ડિઝ સામેની લિમિટેડ ઓવરની શ્રેણી માટે સ્ટેન્ડબાય રાખ્યા છે. હાલ આ બંને ખેલાડી મુખ્ય ટીમનો ભાગ નથી, પરંતુ હવે તેમને ટીમનો ભાગ બનાવવામાં આવી શકે છે. સ્ટેન્ડબાય તરીકે આ બંનેના નામની જાહેરાત થોડાં દિવસ પહેલા જ BCCIએ કરી હતી.
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે પહેલી વનડે 6 ફેબ્રુઆરી, બીજી વનડે 9 ફેબ્રુઆરી અને ત્રીજી વનડે 11 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જે બાદ બંને ટીમ વચ્ચે પહેલી ટી-20 16 ફેબ્રુઆરી, બીજી 18 ફેબ્રુઆરી અને ત્રીજી 20 ફેબ્રુઆરીએ રમાશે. આ ત્રણેય મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર ખેલાશે. વિરાટ કોહલીને વનડેના કેપ્ટન તરીકે હટાવવામાં આવ્યા બાદ ફુલટાઈમ કેપ્ટન તરીકે રોહિત શર્માની આ પહેલી સીરીઝ હશે. 2023માં ભારતીય ટીમ હોમ ગ્રાઉન્ડમાં વનડે વર્લ્ડ કપ રમશે, જે માટે કેપ્ટન રોહિત અને હેડ કોચ રાહુલ દ્રવિડની નજર મજબૂત પ્લેઈંગ-11 તૈયાર કરવા પર હશે.