- ભારત ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ આપશે
- અંદાજે ૨૮ અબજ રૂપિયાનો કરાર કરવામાં આવ્યો
- આ કરારથી શસ્ત્ર-સામગ્રીની નિકાસને બળ મળશે
મહાસતા બનવા તરફ પ્રયાણ કરતું ભારત, ભારત માટે શસ્ત્રોના વેચાણ માટે દરવાજા ખુલ્લી રહા છે. ભારત ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ આપશે. ભારત-ફિલિપાઈન્સ વચ્ચે ૩૭.૪ કરોડ ડોલર એટલે કે અંદાજે ૨૮ અબજ રૂપિયાનો કરાર થયો છે. ફિલિપાઈન્સ નેવીએ આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું હતું. બ્રહ્મોસ મિસાઈલ ખરીદનારો ફિલિપાઈન્સ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ભારત પ્રથમ વખત આ મિસાઈલ વેચશે. બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ અને ફિલિપાઈન્સની નેવી વચ્ચે ૩૭.૪ કરોડ ડોલરનો સોદો થયો છે. અંદાજે ૨૮ અબજ રૃપિયાના આ સોદા અંતર્ગત ભારત ફિલિપાઈન્સની નેવીને એન્ટિ શીપ મિસાઈલ સિસ્ટમ આપશે.
બ્રહ્મોસની નિકાસ બાબતે આ સોદો ખૂબ જ મહત્વનો સાબિત થશે. ભારતીય સંરક્ષણ વિભાગ અને ફિલિપાઈન્સની આર્મીએ એક સત્તાવાર નિવેદનમાં આ બાબતની પુષ્ટી કરી હતી. બ્રહ્મોસ મિસાઈલ ભારત-રશિયાનું સંયુક્ત સાહસ છે. આ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ લડાકુ વિમાનો, યુદ્ધજહાજ અને સબમરીન એમ ત્રણેય રીતે લોંચ થઈ શકે છે. તેને જમીન પરથી કે યુદ્ધજહાજ-લડાકુ વિમાનના પ્લેટફોર્મ પરથી ફાયર કરી શકાય છે. ફિલિપાઈન્સને દક્ષિણ ચીની સમુદ્રની જળસીમાને લઈને ચીન સાથે વિવાદ ચાલી રહ્યો છે. આ મિસાઈલોથી ફિલિપાઈન્સની નેવી વધુ મજબૂત થશે અને ચીનને પડકાર ફેંકવા સક્ષમ બનશે.
કૂટનીતિની રીતે પણ આ સોદો ખૂબ જ મહત્વનો સાબિત થશે. આ સોદાથી ભારતની અન્ય શસ્ત્ર-સામગ્રીની નિકાસને બળ મળશે. ખાસ તો આકાશ, એન્ટી ટેન્ક મિસાઈલો, સ્વદેશી રડાર સિસ્ટમ વગેરે ભારત મિત્ર દેશોને આપી શકશે. ઈન્ડો-પેસિફિક એન્ગેજમેન્ટ અંતર્ગત ભારત આ સ્વદેશી ડિફેન્સ ટેકનોલોજીની નિકાસ ઉપર ભાર આપશે. જે દેશો અમેરિકા-રશિયા-ફ્રાન્સ કે બ્રિટન પાસેથી ડિફેન્સ સામગ્રી કે હથિયારો ખરીદી શકે તેમ નથી. તેમને ભારત તેમના બજેટમાં હથિયારો આપવા સક્ષમ છે. આ સોદો એ રીતે ખૂબ જ મહત્વનો સાબિત થશે.