શરીર પર 800 ટેટૂઝ ધરાવતી આ મહિલાનું કહેવું છે કે તે નોકરી મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે કારણ કે લોકો તેનો ચહેરો જોઈને તેને રિજેક્ટ કરે છે. આ બ્રિટિશ મહિલાનું કહેવું છે કે તે શૌચાલય સાફ કરવા પણ તૈયાર છે, પરંતુ કોઈ તેને નોકરી આપવા તૈયાર નથી. એટલું જ નહીં, આ મહિલાને પબમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
અહીં અમે વાત કરી રહ્યા છીએ બ્રિટનની 46 વર્ષની મેલિસા સ્લોન વિશે, જેને પોતાનો જ શોખ ભારે પડી ગયો છે. મેલિસાને ટેટૂનો શોખ હતો, પરંતુ હવે તેને કારણે કોઈ તેને નોકરી પર રાખતું નથી. હકીકતમાં, ટેટૂના કારણે માત્ર બાળકો જ નહીં, કૂતરા પણ તેમનાથી ડરવા લાગ્યા છે.
મેલિસાએ ડેઈલી સ્ટારને જણાવ્યું કે તે ટોઈલેટ સાફ કરવા માટે પણ તૈયાર છે, પરંતુ તેના ટેટૂને કારણે કોઈ તેને નોકરી પર રાખતું નથી. જોકે, વેલ્સની રહેવાસી મેલિસા કહે છે કે તે વૃદ્ધાવસ્થા સુધી ટેટૂ કરાવવાનો શોખ ચાલુ રાખશે.
જ્યારે તે 20 વર્ષની હતી, ત્યારે તેણે તેનું પહેલું ટેટૂ કરાવ્યું. તે છેલ્લા 26 વર્ષથી ટેટૂ કરાવે છે. કેટલાક લોકોને તેના ટેટૂની ડિઝાઇન આકર્ષક લાગે છે, જ્યારે અન્ય લોકો તેને જાણે બીજા ગ્રહથી આવ્યા હોય તેમ જુએ છે.
મેલિસા કહે છે કે લોકો તેને વિચિત્ર રીતે જુએ છે, પરંતુ તેને કોઈ પરવા નથી. કારણ કે, હવે તેઓને તેની આદત પડી ગઈ છે. તમને જણાવી દઈએ કે ઘણા લોકો મેલિસા પર આટલા બધા ટેટૂ કરાવવા પર સવાલ ઉઠાવે છે તો કેટલાકે તેના વખાણ પણ કર્યા છે.