Bharuch Election 2024 Result: ભરૂચ લોકસભા બેઠક ગુજરાતની ચર્ચિત બેઠક પૈકીની એક બેઠક રહી છે. અહીં બંન્ને વસાવા વચ્ચે રોમાચક રાજકીય જંગ જામી હતી. ભાજપે 6 ટર્મથી ચૂંટાયેલા મનસુખ વસાવાને 7મી વખત જીત માટે રાજકીય મેદાનમાં ઉતાર્યા હતા. તો બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનમાંથી ચૈતર વસાવાને મનસુખ વસાવાને ટક્કર આપવા માટે ચૂંટણ જંગમાં ઉતાર્યા હતાં.
કોણ છે મનસુખ વસાવા?
મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ છે. 1989થી આ બેઠક પરથી 6 ટર્મ મનસુખ વસાવા ચૂંટાયા છે. 1998,1999,2004,2009,2014 અને 2019માં ચૂંટાયા હતા. 1994માં ગુજરાત સરકારમાં મંત્રી હતા
કોણ છે ચૈતર વસાવા?
12 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. પત્ની 2 વખત નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચુક્યાં છે. ડેડિયાપાડા વિધાનસભા બેઠકમાં AAP પાર્ટીની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા હતા. 55.9 ટકા વોટ સાથે ધારાસભ્ય બન્યા હતા. ભાજપના હિતેશકુમાર વસાવા અને કોંગ્રેસના જેરમાબેન વસાવાને હરાવ્યાં હતાં. ઈન્ડિયા ગઠબંધને ભરૂચ બેઠક પર લોકસભા ટિકિટ આપી હતી.
ભરૂચ બેઠકની રાજકીય ચર્ચા
ભરૂચ લોકસભા બેઠક 1989માં એહમદ પટેલનો ચંદુભાઈ દેશમુખ સામે પરાજય બાદથી ભાજપના હાથમાં રહી છે. 35 વર્ષથી ભાજપના હાથમાં રહેલી ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા 6 ટર્મથી ભાજપે મનસુખ વસાવા પર વિશ્વાસ મૂકી ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. ભરૂચ બેઠક પર ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર બનાવ્યા હતાં. તો સામે 6 ટર્મથી જંગી લીડથી જીતતા મનસુખ વસાવા પર ભાજપે નો રિસ્ક સાથે રીપીટની થિયરી અપનાવી હતી.
મતદારોનો ગણિત
આ બેઠક પર 7 વિધાનસભા મત વિસ્તારના સમાવેશ થાય છે. ભરૂચ લોકસભા બેઠક પર કુલ 17.18 લાખ મતદારો છે. જેમાં 8.75 લાખ પુરુષ મતદારો જ્યારે 8.27 લાખ મહિલા અને 83
અન્ય જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ મતદારો ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં 2.96 લાખ જ્યારે સૌથી ઓછો કરજણમાં 2.15 લાખ મતદારો છે.
ભરૂચ બેઠક પર જીતનો ઈતિહાસ
ગત લોકસભાની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને 55.47 ટકા મતો સાથે 6.37 લાખ મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને માત્ર 26.40 ટકા સાથે 3.03 લાખ મતો પડ્યા હતા. જે વર્ષ 2014ની લોકસભા ચૂંટણી કરતા કોંગ્રેસને 10.92 ટકા મતો ઓછા મળ્યા હતા. જ્યારે ત્રીજા ઉમેદવાર છોટુભાઈ વસાવા જેઓ બીટીપીમાંથી ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. તેમને 12.53% મતો સાથે 1.44 લાખ મતો મળ્યા હતા એટલે કુલ 73.55% એટલે 11.50 લાખના થયેલ મતદાનમાં મનસુખ વસાવા (ભાજપના ઉમેદવાર) 3.34 લાખની લીડ સાથે બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. વર્ષ 2014ની ચૂંટણીમાં પણ મનસુખ વસાવાએ સારી ટક્કર આપી 1.58 લાખની લીડ મળી હતી. તો 2009માં કોંગ્રેસના સમયમાં પણ 27 હજારની લીડ સાથે આગળ રહ્યા હતા. વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે ચર્ચા કરવામાં આવે તો ભરૂચના વર્તમાન સાસંદને ગત ચૂંટણીમાં સૌથી વધુ મત ભરૂચ માંથી 1.13 લાખ જ્યારે સૌથી ઓછા ઝગડીયામાં 77 હજાર મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને સૌથી વધુ જંબુસરમાં 57 હજાર જ્યારે સૌથી ઓછા ઝગડીયામાં 32 હજાર મતો મળ્યા હતા. ગત 4 ટર્મની ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર ત્રિકોણીય ચૂંટણી જંગ રહ્યો છે જેનાથી ભાજપ-કોંગ્રેસને ઓછી-વત્તા અસર રહી છે.
ભરૂચ બેઠકના મુદ્દા શુ રહ્યાં ?
ભરૂચ લોકસભા વિસ્તારમાં રસ્તાની હાલત દયનીય છે. ચોમાસા બાદ હજુ રોડ બન્યા નથી. 3 બ્રિજ હોવા છતાં ટ્રાફિકની સમસ્યા યથાવત છે. 5 GIDC હોવા છતાં સ્થાનિકોને રોજગારી મળતી નથી. અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે. ટ્રાયબલ વિસ્તારોમાં શિક્ષણની સુવિધાનો અભાવ અને શિક્ષકોની ઘટનો પણ મુદ્દો છે. અંતરિયાળ ગામોમાં વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે સરકારી બસનો અભાવ છે. જમીન સંપાદન મુદ્દે ખેડૂતોને વળતરનો મામલો હજુ ઉકેલાયો નથી. ભરૂચ લોકસભા બેઠકમાં હોસ્પિટલોનો અભાવ છે.
આ બેઠક પર કોનો દબદબો રહ્યો ?
વર્ષ – વિજેતા – પાર્ટી
- 1957 – ચંદ્રશંકર ભટ્ટ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1962 – છોટુભાઈ પટેલ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1967 – માનસિંહજી રાણા – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1971 – માનસિંહજી રાણા – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1977 – અહેમદ પટેલ, – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1980 – અહેમદ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1984 – અહેમદ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- 1989 – ચંદુભાઈ દેશમુખ, ભારતીય જનતા પાર્ટી
- 1991 – ચંદુભાઈ દેશમુખ, ભારતીય જનતા પાર્ટી
- 1996 – ચંદુભાઈ દેશમુખ, ભારતીય જનતા પાર્ટી
- 1998 – ચંદુભાઈ દેશમુખ, ભારતીય જનતા પાર્ટી
- 1998 – મનસુખભાઈ વસાવા, ભારતીય જનતા પાર્ટી
- 1999 – મનસુખભાઈ વસાવા, ભારતીય જનતા પાર્ટી
- 2004 – મનસુખભાઈ વસાવા, ભારતીય જનતા પાર્ટી
- 2009 – મનસુખભાઈ વસાવા, ભારતીય જનતા પાર્ટી
- 2014 – મનસુખભાઈ વસાવા, ભારતીય જનતા પાર્ટી
- 2019 – મનસુખભાઈ વસાવા, ભારતીય જનતા પાર્ટી
ભરૂચ બેઠક પર 64.74 ટકા મતદાન થયું હતું
ભરૂચ લોકસભા બેઠક પર 64.74 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં કરજણ મતક્ષેત્ર વિસ્તારમાં 67.04 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે દેડિયાપાડામાં 83.94 ટકા તો જંબુસરમાં 83.94 ટકા, વાગરામાં 67.52 ટકા તો જગડીયામાં 77.36 ટકા, ભરૂચમાં 60.43 ટકા અને અકલેશ્વરમાં 64.74 ટકા મતદાન નોંધાયું હતું