RRB-NTPCના રિઝલ્ટમાં કૌભાંડના વિરોધમાં યુપી-બિહારના વિદ્યાર્થીઓનું પ્રદર્શન બુધવારે પણ ચાલુ રહ્યું હતું. ગયા જંક્શન પર ગુસ્સે થયેલા વિદ્યાર્થીઓએ ટ્રેનમાં આગ લગાવી હતી. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટીયરગેસ પણ છોડવામાં આવ્યો હતો. જહાનાબાદ, સમસ્તીપુર, રોહતાસ સહિત ઘણી વિસ્તારોમાં વિદ્યાર્થીઓ રેલવે-ટ્રેક પર આવીને નારેબાજી કરતા હતા. પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને કારણે રેલવે વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. વિદ્યાર્થીઓનું હિંસક પ્રદર્શન જોતાં રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ બપોરે સાડાત્રણ લાગે પ્રેસ-કોન્ફરસન્સ કરે એવી શક્યતા છે.
NTPC પરિણામને લઈને ઉત્તરપ્રદેશ અને બિહારમાં ઉમેદવારોના વ્યાપક વિરોધપ્રદર્શનને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે મોટો નિર્ણય લીધો છે. રેલ મંત્રાલયે હાલ NTPC અને લેવલ વન પરીક્ષા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંત રેલ મિનિસ્ટ્રીએ એક હાઈ પાવર કમિટીની નિમણૂક પણ કરી છે. આ કમિટી પરીક્ષામાં પાસ અને નાપાસ થયેલા ઉમેદવારોની ફરિયાદો સાંભળશે અને એનો રિપોર્ટ રેલવે મિનિસ્ટ્રીને આપશે. ત્યાર પછી રેલવે મંત્રાલય આગળનો નિર્ણય કરશે. દેશભરમાંથી 1.26 કરોડ વિદ્યાર્થીઓએ આ પરીક્ષી માટે અરજી કરી હતી. ADG નિર્મલ કુમાર આઝાદના જણાવ્યા પ્રમાણે રેલ પોલીસ, RPFની સાથે ત્યાં પોલીસની ટીમ હાજર છે. ત્યાં ગયાના SSP પણ હાજર છે.
સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે બધા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રેલવેમાં લો એન્ડ ઓર્ડરની સમસ્યા ઉભી થઈ છે. આ સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે સીનિયર અધિકારીઓ દ્વારા વાતચીત કરવામાં આવી રહ્યા છે. તે સાથે જ રેલ જિલ્લા પોલીસને એલર્ટ રાખવામાં આવ્યા છે. કારણકે વિદ્યાર્થીઓ ગમે ત્યારે અને ગમે ત્યાંથી રેલવે ટ્રેક પર પહોંચી રહ્યા છે અને ત્યાં હોબાળો કરી રહ્યા છે. જહાનાબાદમાં સતત 5 કલાકથી વિદ્યાર્થીઓ રેલવે ટ્રેક પર પ્રદર્શન કરી રહ્યા છે. રેલવે ટ્રેક પર જ વડાપ્રધાન અને રેલવે મંત્રીનું પુતળુ સળગાવવામાં આવ્યું છે. તેમણે સરકાર વિરોધી નારા પણ લગાવ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે પ્રદર્શન કરતા રહીશું. જહાનાબાદ રેલવે સ્ટેશન પાસે બુધવારે સવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ગયા-પટના રેલવે સ્ટેશન પર પરિવહન ખોરવાયું હતું. સવારથી જ મેમુ ગાડી પેસેન્જર ટ્રેનને રોકીને સરકાર વિરોધી નારેબાજી કરી હતી. વિદ્યાર્થીઓ રેલવે ટ્રેક પર બેસીને પ્રદર્શન કરી રહ્યા છે. રેલવે પોલીસ વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓ તેમના માંગણી પૂરી થવાની જીદ પર અડેલા છે.