આજથી સરોગસી માટે કાયદો અમલમાં આવ્યો
કાયદો ભંગ કરનારને 10 લાખ દંડ સહિત 10 વર્ષની સજા
કોઇપણ મહિલા જીવનમાં એક જ વાર સરોગેટ મધર બની શકશે
આજના આધુનિક યુગના જીવનમાં મેડિકલક્ષેત્રે વધી રહેલા સરોગેસી માતાના ચલણના મામલે સરકારે કડક કાયદો અમલમાં લાવી દીધો છે. 25મી જાન્યુઆરીથી સરોગેસી રેગ્યુલેશન એક્ટનો અમલ શરૂ થઈ ગયો છે, એ મુજબ હવેથી કોઇપણ મહિલા જીવનમાં એક જ વાર સરોગેટ મધર બની શકશે. જે મહિલા પરિણીત હોય, બાળકો હોય તે જ કૂખ એક રીતે ભાડે આપી શકશે. આ માટે તે રૂપિયા પણ ન લઇ શકે અને આવી માતાનો 36 મહિનાનો વીમો લેવો પણ ફરજિયાત કરી દેવાયો છે. જો નિયમોનું ભંગ થાય તો 10 લાખનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ છે. આજથી સરોગેસી નિયમ અમલમાં આવતા હવેથી ધંધાદારી સરોગેસી નિષેધ થયો છે.
અલ્ટ્રાયુસ્ટિક સરોગેસી જ કાયદાકીય કે, જેમાં મેડિકલ ખર્ચ તથા 36 મહિનાના વીમા સિવાય કોઈપણ ચાર્જ, ફી, વળતરનો સમાવેશ થતો નથી. સરોગેસી ક્લિનિકનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. સરોગેસી કોણ કરાવી શકે તેના માટે જો વાત કરવામાં આવે તો મહિલા પરિણીત હોવી જોઈએ. સ્ત્રીની ઉંમર 23થી 50 વચ્ચે હોવી જોઈએ. તેમજ પુરુષની ઉંમર 26થી 55 વચ્ચે હોવી જોઈએ. આસાથે ઇચ્છુક દંપતીને કુદરતી, દત્તક કે સરોગેટથી પણ કોઈ જીવિત બાળક હોવું ન જોઇએ.
મેડિકલના જાણકારો કહે છે કે સરોગેસી મામલે અગાઉ કોઇ નિયમ ન હતા. કૂખ ભાડે આપનારી મહિલાઓ મળી રહેતી હતી, જેનો ચાર્જ કૂખ ભાડે લેનાર દંપતી ચૂકવતા હતા. મેડિકોલીગલ એક્સપર્ટ ડો. વિનેશ શાહ કહે છે, સરકારે ઘડેલો કાયદો મંગળવારથી અમલમાં આવશે. અત્યારસુધી સરોગેસી મામલે કોઇ રોકટોક ન હતી, એટલે પ્રોફેશનલ્સ પણ એક્ટિવ હતા. હવે કાયદાનો ભંગ થાય તો કડક સજાની જોગવાઈ છે.