- માત્ર અડધા ગ્લાસ પાણીથી 5 જોડી કપડા ધોવાઈ જશે
- 5 જોડી કપડા 80 સેકન્ડમાં ધોવાઈ જશે
- રેડિયેશન ટેકનોલોજીવાળું વોશિંગ મશીન
માત્ર અડધા ગ્લાસ પાણીથી સાત કિલો સુધીના કપડાં (5 જોડી કપડાં અથવા 6 પેન્ટ-4 શર્ટ) એક જ વખતમાં ધોઈ શકાશે. ચિતકારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ટીચર્સે મળીને બે વર્ષની મહેનત પછી આવું વોશિંગ મશીન તૈયાર કર્યું છે. આ મશીનનો ઉપયોગ તેમની પોતાની હોસ્ટેલમાં જ નહીં પરંતુ કેટલીક હોસ્પિટલો અને બેકરીઓમાં પણ થઈ રહ્યો છે. તેને પેટન્ટ પણ મળી ગઈ છે. તેમાં ગાડીઓના એન્જિનની જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનું નામ ’80 વૉશ’ રાખવામાં આવ્યું છે, કેમ કે કપડાં માત્ર 80 સેકન્ડમાં ધોવાઈ જશે. આ મશીનના પ્રોડક્શન યુનિટની સ્થાપના માટે હિમાચલ સરકાર ટૂંક સમયમાં બદ્દીમાં જગ્યા આપવા માટે ડીલ ફાઈનલ કરી શકે છે.
યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થી રૂબલ ગુપ્તાએ આ મશીન તૈયાર કર્યું છે. તેના ગાઈડ એસોસિયેટ ડીન રિસર્ચ ડૉ. નિતિન કુમાર સલુજા અને વરિંદર સિંહ છે. ડૉ. નિતિનના જણાવ્યા પ્રમાણે- કોરોનાના આ સમયમાં જ હોસ્પિટલો સામે મોટી સમસ્યા હતી. ત્યાં ચાદર અને કપડાં વધુ ઝડપથી બદલવાની જરૂર રહેતી. સામાન્ય વોશિંગ મશીનમાં કપડાં ધોવા અને સૂકવવામાં થોડા કલાકો અથવા તો થોડા દિવસો લાગતા હતા. આ મશીન પાણી પણ બચાવશે અને સમય પણ. આ વખતે અટલ ઈનોવેશન રેન્કિંગ કેટેગરીમાં ચિતકારાને સેકન્ડ નંબર મળ્યો છે. તેમાં માત્ર 80 સેકન્ડમાં બેક્ટેરિયા અને જર્મ્સ સાફ થઈ જાય છે. તેમાં રેડિયેશન ટેક્નિકથી મેલ દૂર થઈ જાય છે. આ મશીન ગંધ અને સંક્રમણ પણ દૂર કરે છે.