- ઓવૈસી ગઠબંધન કરી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા
- બાબુ સિંહ કુશવાહ અને ભારત મુક્તિ મોરચા સાથે ગઠબંધન કરાયું
- એક OBC અને બીજા દલિત એમ બે CM રહેશે: ઓવૈસી
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ઉત્તર પ્રદેશમાં બાબુ સિંહ કુશવાહ અને ભારત મુક્તિ મોરચા સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. આ ગઠબંધનનું નામ ભાગીદારી પરિવર્તન મોર્ચા રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જો તેમનું ગઠબંધન સત્તામાં આવશે તો તેમની સરકારમાં બે મુખ્યમંત્રી હશે. તેમાંથી એક OBC અને બીજા દલિત હશે. આ સાથે ત્રણ નાયબ મુખ્યમંત્રી પણ હશે. જેમાંથી એક મુસ્લિમ હશે. આ ગઠબંધનના કન્વીનર બાબુ સિંહ કુશવાહા રહેશે.
બીજી તરફ, સમાજવાદી પાર્ટી એ એક મહત્વની જાહેરાત કરી છે. અખિલેશ યાદવે એલાન કરતા કહ્યું કે તેઓ મૈનપુરીની કરહલ સીટથી વિધાનસભા ચૂંટણી લડશે. મીડિયાકર્મીઓને સંબોધતા તેમણે કહ્યું હતું કે, જો સપા સરકાર બનશે તો આગામી સમયમાં IT ક્ષેત્રમાં 22 લાખ યુવાનોને રોજગારી મળશે. બીજી તરફ સમાજવાદી નેતા રામ ગોપાલ યાદવે જાહેરાત કરી હતી કે અખિલેશ યાદવ “રેકોર્ડ” મતોથી જીતશે. ઓવૈસીએ કહ્યું કે નબળા લોકો મળીને તાકાત બની રહ્યા છે. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે શિવપાલ યાદવ હવે તેમના સંપર્કમાં નથી, પરંતુ તેમના જોડે સંબંધ છે અને રહેશે.
બાબુ સિંહ કુશવાહે કહ્યું કે આ ગઠબંધનમાં હજી અન્ય દળ પણ સામેલ થઈ શકે છે. તેમણે કહ્યું કે સપા અને BJP વચ્ચે જે લડાઈ છે તે હવે BJP અને ભાગીદારી પરિવર્તન મોર્ચા વચ્ચે થશે. સપા ગઠબંધન ત્રીજા નંબરે જતું રહેશે. કુશવાહે કહ્યું કે આ મજબૂરીનું ગઠબંધન નથી, અમારી પહેલેથી વાત ચાલુ હતી. UPમાં સૌથી વધુ કાર્યક્રમ જન અધિકાર પાર્ટીએ કર્યા છે. છેલ્લા 4 મહિનાથી સમ્મેલન કરી રહ્યા છીએ. વામન મેશ્રામે કહ્યું ત્રણ ડેપ્યુટી CM રહેશે તેમાંથી એક મુસ્લિમ હશે અને બાકીના નામ પછી જાહેર કરવામાં આવશે. અમે 403 સીટો પર ચૂંટણી લડી રહ્યા છીએ, તેમાંથી 95% સીટો પર વાત થઈ ગઈ છે.