સુરતમાં લક્ઝરી બસમાં લાગી આગ
બસમાં સવાર મહિલા જીવતી સળગી ગઈ
શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ લાગી
ગુજરાતની ડાયમંડ નગરી એવા સુરત શહેરમાં કપોદ્રા વિસ્તારમાં ખાનગી બસમાં ભીષણ આગ લાગી છે. સુરતના હિરા બાગ સર્કલથી ભાવનગર તરફ જઈ રહેલી એક ખાનગી બસમાં મંગળવારે રાતે અચાનક આગ લાગી હતી. જેના કારણે થોડી જ વારમાં આખી બસ ભડભડ સળગી ઊઠી હતી. આ વિકરાળ આગમાં એક મહિલાનું મૃત્યું નીપજ્યું છે. આ દૂર્ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. પ્રાથમિક અનુમાન પ્રમાણે, ખાનગી બસમાં શોર્ટ સર્કિટને કારણે એસીમાં બ્લાસ્ટ થવાથી આ વિકરાળ આગ ભભૂકી હતી.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ સર્કલ ખાતે ખાનગી લક્ઝરી બસ રાજધાની સ્લીપર કોચમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં બસમાં સવાર એક મહિલાનું મોત નીપજ્યું છે. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચાવની કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની જહેમત બાદ થોડી જ વારમાં આગ કાબૂમાં આવી ગઇ હતી. ફાયર વિભાગ દ્વારા બે લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ લાગી તે સમયે આ બસમાં કુલ 15 મુસાફરો સવાર હતા. બસ સુરતથી ભાવનગર તરફ જઈ રહી હતી.
સુરતના મેયર હિમાલી બોઘાવાલાએ સ્મીમેર હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત સુરતના સાંસદ દર્શના જરદોશે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતી સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી હતી. જેમાં ઇજાગ્રસ્તોને સારવાર મળે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. મળતી માહિતી પ્રમાણે, આ બસમાં 1×2ની વ્યવસ્થાની સ્લિપિંગ કોચમાં એસીની વ્યવસ્થા હતા. બસની પાછળના ભાગમાં બે રેકમાં ડબલ બેડવાળા બોક્સ હતા. જેમાં ઉપરના ભાગે મહિલા સહિત બે લોકો બેઠા હતા. ત્યાં અચાનક આગ લાગી હતી. આ બોક્સમાં બેઠેલી મહિલા થોડી જ વારમાં જીવતી સળગી ગઈ હતી.