- અમદાવાદ રેલ્વે સ્ટેશન પર લાગુ કરાયા કડક નિયમો
- કોરોના સામે લડવા અમદાવાદ રેલ્વે બન્યું મક્કમ
- રેલ્વે સ્ટેશન પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ કરાયું ફરજિયાત
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી જતા હવે રેલવે સ્ટેશનો પર વધુ તકેદારી રાખવાનો નિર્ણય લેવાયો છે. મુસાફરોનું ફરજિયાત થર્મલ ગન સ્ક્રેનિંગ, કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. માસ્ક ન પહેરનાર યાત્રીને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવાનો પણ નિર્ણય આજે અમદાવાદ ડીઆરએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેશન પરિસરમાં જ કોરોના વેક્શિનેશન થશે. ભીડ ઓછી થાય તે માટેના પણ પ્રયાસો કરાશે. ૫૦ ટકા સ્ટાફ સાથે રેલ કર્મચારીઓને કામ પર બોલાવાશે.
દેશભરમાં કોરોના અને ઓમિક્રોનનો હાહાકાર મચ્યો છે ત્યારે રેલવે મુસાફરો સલામત રહે અને તેઓ કોરોના સંક્રમણના ‘સુપર સ્પ્રેડર’ બની ન જાય તે માટે શું કરવું તે અંગે ચર્ચા કરવા માટે આજે રેલમંત્રીએ રેલવેના દરેક ઝોનના ડીઆરએમ, જીએમ સાથે વાર્તાલાપ કર્યો હતો. સુચનો મેળવ્યા હતા અને શું કરી શકાય તે માટે વિચારોની આપ-લે કરી હતી. આ અંગે અમદાવાદ વિભાગના પીઆરઓ જિતેન્દ્રકુમારના જણાવ્યા મુજબ અમદાવાદમાં આવતી-જતી ટ્રેનોની ભારે અવર-જવર રહે છે. મોટી સંખ્યામાં મુસાફરો પણ હોય છે અને તેમને પીકઅપ-ડ્રોપ કરવા માટે પણ સગાહ-વહાલાઓ આવતા હોય છે. આ પરિસ્થિતિમાં રેલવે સ્ટેશન પરિસર કોરોના સંક્રમણનું ‘એપિસેન્ટર’ ન બની જાય તે માટે જરૂરી તકેદારી લેવા માટે અમદાવાદ વિભાગના ડીઆરએમ દ્વારા સમીક્ષા બેઠક બોલાવાઇ હતી. જેમાં કેટલાક સુચનો કરાયા છે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર તાત્કાલિક ધોરણે ‘થર્મલ ગન સ્ક્રિનંગ ‘કરવાનું કહી દેવાયું છે. મુસાફરો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય અને તેઓ માસ્ક પહેરે તે માટે જરૂરી પગલા લેવાની પણ સુચના અપાઇ છે. માસ્ક ન પહેરનાર પાસેથી ફરજિયાતપણે ૫૦૦ રૂપિયા દંડ વસુલવાનો આદેશ કરાયો છે. જેમાં કોઇપણ પ્રકારની શેહશરમ રાખવામાં નહીં આવે.સ્ટેશન પર જ કોરોના ટેસ્ટિંગની સાથે સાથે વેક્શિનેશનનો પણ કેમ્પ ચાલુ કરાશે.