- IPLમાં અમદાવાદની ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા
- કોચ પદે આશિષ નહેરાને સામેલ કરવામાં આવ્યા
- CVC કેપિટલ્સને IPLમાં ટીમ બનાવવાની અનુમતિ આપી દેવાઈ
ઈન્ડિયન પ્રીમિયર લીગની 2022 સિઝનમાં સામેલ અમદાવાદની ટીમને BCCIએ ગ્રીન સિગ્નલ આપી દીધું છે. મીડિયા રિપોર્ટ્સના આધારે હાર્દિક પંડ્યાને અમદાવાદના કેપ્ટનનું સુકાન સોંપાશે. આ ટીમની માલિક કંપની CVC કેપિટલ્સ સામે ઘણા સવાલો ઉઠ્યા હતા, જેના પરિણામે બોર્ડે એક કમિટિની રચના કરી યોગ્ય રિપોર્ટ્સ સોંપવા જણાવ્યું હતું. તેવામાં કમિટિએ 2-3 સપ્તાહ પહેલા નિર્ણય સોંપી દેતા બોર્ડે આ CVC કેપિટલ્સને IPLમાં ટીમ બનાવવાની અનુમતિ આપી દીધી છે. જોકે હજુ સુધી આ મુદ્દે બોર્ડના અધિકારી કે BCCIએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
તેવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે ઓક્શન પહેલા અમદાવાદની ટીમ અંગે BCCI સત્તાવાર જાહેરાત કરી શકે છે. ફિટનેસની સમસ્યા વચ્ચે હાર્દિક પંડ્યાને અમદાવાદની ટીમનો કેપ્ટન બનાવાયો છે. ઉલ્લેખનીય છે કે આની પહેલા શ્રેયસ અય્યરનું નામ જોરશોરથી ચાલતું હતું પરંતુ અત્યારે મીડિયા રિપોર્ટ્સના આધારે હાર્દિક પંડ્યાને અમદાવાદની ટીમનો કેપ્ટન પસંદ કરાયો છે. IPL 2022 માટે મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડીને રિટેન ન કરતા ઘણા સવાલો સામે આવ્યા હતા. એક્સપર્ટ અનુમાન લગાવી રહ્યા છે કે પંડ્યા ગુજરાતી છે અને સ્થાનીક ફેન્સ પણ તેના વધારે છે. વળી તેની વિસ્ફોટક બેટિંગને જોતા ફ્રેન્ચાઈઝી હાર્દિકને કેપ્ટન બનાવી શકે છે. તે મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ટ્રેન થયો છે. આ મહત્ત્વપૂર્ણ મુદ્દાને ધ્યાનમાં રાખીને ફ્રેન્ચાઈઝીએ આ નિર્ણય લીધો હોય એવું અનુમાન લાગી રહ્યું છે.
અત્યારે ભલે હાર્દિક પંડ્યા સંપૂર્ણપણે ફિટ નથી એટલે બોલિંગ કરી શકતો નથી છતા તે પોતાની ટીમ માટે એક મેચ વિનર સાબિત થઈ શકે છે. મીડિયામાં આ સમાચાર આવતાની સાથે જ હાર્દિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે. તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે ફિટનેસ પર ફોકસ કરતો જોવા મળી રહ્યો છે તથા હાર્દિક બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. IPLમાં અમદાવાદની ટીમને CVC ગ્રુપે 5625 કરોડ રૂપિયામાં ખરીદી હતી. તેવામાં હવે આ ટીમ સામે વિવાદ એટલે સર્જાયો, કારણ કે CVC ગ્રુપે કેટલીક બેટિંગ કંપનીમાં રોકાણ કર્યું છે. આ અંગે BCCIએ કમિટિ બનાવી હતી અને હવે ટીમના ભવિષ્ય તથા આ ડિલ સામે સવાલો ઊભા થયા હતા. હવે ટૂંક સમયામાં અમદાવાદની ટીમને ઓફિશિયલ IPLમાં સામેલ કરાઈ શકે છે. આ અંગે BCCI ઓક્શન પહેલા જાહેરાત કરી શકે છે.