- અદાણી હવે ગ્રીન એનર્જીમાં કરશે મોટું રોકાણ
- અદાણીની કંપનીએ 70 અબજ ડોલરનું જંગી મૂડીરોકાણની જાહેરાત કરી
- ANIL માટે કરશે જંગી રોકાણ
ભારતના બીજા ક્રમની સૌથી સમૃદ્ધ વ્યક્તિ ગૌતમ અદાણીની કંપની ગ્રીન એનર્જી એક મહત્ત્વનું પગલું ભરવા જઈ રહી છે. આ માટે અદાણીની કંપનીએ 70 અબજ ડોલરનું જંગી મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી છે. હવે ગૌતમ અદાણીને ગ્રીન એનર્જી સેક્ટરમાં પોતાનું પ્રભુત્વ જમાવવામાં ANILની મદદ મળવા જઈ રહી છે. અદાણી ગ્રુપે ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ANIL નામની પેટાકંપની બનાવી છે. અદાણી ગ્રુપના વડપણ હેઠળ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડે શેરબજાર સમક્ષ આપેલી માહિતી પ્રમાણે, ગ્રુપ અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામથી નવી કંપની બનાવવા જઈ રહી છે, જે 100 ટકા સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.
આ નવી કંપની ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ ઉપરાંત ઓછા પ્રમાણમાં કાર્બનનું ઉત્સર્જન કરનારી વીજળીના ઉત્પાદન તથા પવન ઊર્જા ટર્બાઈન, સૌર ઊર્જા ઉપકરણ, બેટરી વગેરેના નિર્માણ પર ધ્યાન આપશે. આ કંપની ટૂંક સમયમાં જ કાર્યરત થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ વિશ્વની સૌથી મોટી ગ્રીન એનર્જી કંપની બનવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ ઉપરાંત કંપનીનો લક્ષ્ય સૌથી સસ્તા હાઈડ્રોજનનું નિર્માણ કરવાનો પણ છે. આ બાબતને ધ્યાનમાં રાખી સમૂહે ગયા વર્ષે કહ્યું હતું કે ન્યૂ એનર્જી સેક્ટર પર એક દાયકામાં 70 અબજ ડોલરનું જંગી મૂડીરોકાણ કરવામાં આવશે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અગાઉથી જ વિશ્વની સૌથી મોટી સૌર ઊર્જા ડેવલપર છે. વર્ષ 2030 સુધીમાં અદાણી ગ્રીન એનર્જી 45 ગીગાવોટ ગ્રીન એનર્જીની ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.