- કોરોના દહેશત વચ્ચે પતંગ ઉત્સવ નું ભવ્ય આયોજન
- જાહેર જનતાને પતંગ ઉત્સવમાં આવવા ખુલ્લું આમંત્રણ
- દેશ વિદેશના પતંગબાજો પતંગ સાથે કોરોના લાવશે?
કોરોનાના કેસો વધતા એકબાજુ શહેરીજનો ભારે ફફડી રહ્યા છે. તો બીજીબાજુ કોરોનાથી બચવાનારા પાલિકા, વહીવટીતંત્ર અને પ્રવાસ નિગમન દ્વારા સંયુકત રીતે નવમી જાન્યુઆરીના રોજ શહેરના મેયરના પ્રમુખ પદ હેઠળ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવા જઇ રહ્યા છે. જેમાં 18 આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહિત અલગ અલગ રાજયોના 100 થી વધુ પતંગબાજો આવશે. લોકોમાં ભારે રોષ છે કે આ તો ખુલ્લેઆમ કોરોનાને આમંત્રણ આપવામાં આવી રહ્યુ છે. સુરતીલાલાઓ માટે વર્ષની શરૃઆત સાથે જ આવતો પ્રથમ તહેવાર એટલે મકર સંક્રાતિ ઉજવવા માટે તલપાપડ થતા હોય છે. પરંતુ ગત વર્ષે કોરોનાના કારણે પહેલો જ તહેવાર ફિક્કો ફિક્કો ઉજવ્યો હતો. તો આ વર્ષે પણ જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે. તે જોતા આ તહેવાર ઉજવવાને લઇને શહેરીજનો અવઢવમાં છે. પરંતુ વહીવટીતંત્ર આ તહેવાર ઉજવવા માટે બધી જ તૈયારીઓ કરી દીધી છે.
આગામી ૯ મી જાન્યુઆરીના રોજ અડાજણ રિવર ફન્ટ ખાતે સુરત મહાનગર પાલિકા, ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવા જઇ રહ્યા છીએ. આ પતંગ મહોત્સવમાં ૧૮ આંતરરાષ્ટ્રીય પતંગબાજો આવશે. તેમની સાથે જયાં કોરોનાના કેસો વધુ છે. તે મહારાષ્ટ્ર, કેરળ અને નોર્થ ઇસ્ટ સહિતના રાજયોના પતંગબાજો મળીને ૧૦૦ પતંગબાજો સુરત આવશે. આ કાર્યક્રમ શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલાના પ્રમુખ પદ હેઠળ યોજાઇ રહ્યો છે. જેમાં તમામ ધારાસભ્યો, ડે.મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ અતિથિ વિશેષ તરીકે રહેશે. જયારે શહેરના બન્ને સાંસદ મુખ્ય મહેમાન રહેશે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જોવા માટે ખુલ્લુ આમંત્રણ શહેરીજનોને આપવામાં આવ્યુ છે. આમ એકબાજુ વહીવટીતંત્ર જ કોરોનાથી બચવા માટે સમજાવી રહ્યા છે. અને બીજી બાજુ જ એજ વહીવટીતંત્ર આવા કાર્યક્રમો કરતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ -2022 માં જે 18 આંતરરાષ્ટ્રીય અને દેશના અન્ય રાજયો મળીને જે 100 પતંગબાજો આવવાના છે.તે તમામ પતંગબાજો પહેલા અમદાવાદ ખાતેના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપીને સુરત આવશે. સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ કવોરેન્ટાઇન પીરીયડ પૂર્ણ કરી પતંગ મહોત્સવમાં હાજરી આપીને બાય રોડ સુરત આવશે. તમામ પતંગબાજોના આરટીપીસીઆર ટેસ્ટ અમદાવાદમાં જ થશે. અને 8 મી રાત્રીએ સુરત આવીને પતંગ ઉત્સવમાં ભાગ લઇ રવાના થશે.