- દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ કોરોના પોઝિટિવ
- ઘરમાં જ ક્વોરન્ટીન થયા હોવાની ટ્વિટ કરી આપી માહિતી
- છેલ્લા 5 દિવસમાં 5 મોટા શહેરમાં હજારો લોકોને મળ્યા હતા
ભારતમાં ફરી એકવાર કોરોના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. રોજે નવા નવા અઢળક કેસો સામે આવી રહ્યા છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના થયો છે. તેમણે સવારે 8.11 વાગ્યે ટ્વીટ કરીને આ વાતની જાણ કરી છે. તેમણે કહ્યું હતું કે મારો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને હળવાં લક્ષણો છે. હું ઘરમાં ક્વોરન્ટીન થયો છું. મારા સંપર્કમાં આવેલા લોકો પણ આઈસોલેટ થઈ જાય અને પોતાનો ટેસ્ટ કરાવે. અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલાં જ ઉત્તરાખંડના દેહરાદૂનમાં હજારો લોકોની હાજરીમાં સભા કરી કરી હતી. તેમણે 3 જાન્યુઆરીએ દેહરાદૂનમાં ‘નવ પરિવર્તન સભા’ કરી હતી. 2 જાન્યુઆરીના રોજ ઉત્તરપ્રદેશના લખનઉમાં પણ વિશાળ સભાને સંબોધન કર્યું હતુું. 1 જાન્યુઆરીના રોજ અમૃતસરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. 31 તારીખે પંજાબમાં શાંતિ યાત્રામાં હાજરી આપી હતી, જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા.
30મી ડિસેમ્બરે ચંદીગઢમાં વિજય યાત્રામાં જોડાયા હતા. દિલ્હીમાં સોમવારે 4099 લોકો સંક્રમિત થયા છે, જ્યારે 1509 લોકો સાજા થયા છે અને એકનું મોત થયું છે. અત્યારસુધી દિલ્હીમાં 14.58 લાખ લોકો સંક્રમિત થયા છે, જેમાં 14.22 લાખ લોકો સાજા થયા છે અને 25 હજાર 110 લોકોનાં મોત થયાં છે, 10986 લોકોની સારવાર ચાલી રહી છે. દેશમાં મહામારીની ગતિ ચાર ગણી ઝડપથી વધી રહી છે. સોમવારે ફરી એકવાર દેશમાં 37,379 પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. ગયા વર્ષે 1 ડિસેમ્બરે દેશમાં સંક્રમિતોની સંખ્યા 9765 જેટલી હતી. આવી સ્થિતિમાં છેલ્લા એક મહિનામાં જ સંક્રમણમાં 4 ગણો વધારો નોંધાયો હતો.11,007 લોકો સાજા થયા છે જ્યારે 124 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસ વધીને 1 લાખ 71 લાખ 830 થયા છે.
મધ્યપ્રદેશમાં કોરોનાના સંક્રમણે જોર પકડ્યું છે. 24 કલાકમાં ઈન્દોરમાં જ સૌથી વધુ 137 નવા સંક્રમિત મળી આવ્યા છે. અહીં 1 દર્દીનું મોત પણ થયું છે. ડિસેમ્બરમાં પણ બે મોત થયાં છે. સંક્રમણ દર વધીને 1.85 ટકા થયો છે. નવા સંક્રમિતોમાંથી 69 ભોપાલના છે. દતિયાના કલેક્ટર સંજય કુમાર, તેમનાં પત્ની અને પરિવારના અન્ય બે સભ્યો પણ પોઝિટિવ આવ્યાં છે. કલેક્ટરની પુત્રી એક દિવસ પહેલાં જ દિલ્હીથી પરત ફરી હતી.