- કેએલ રાહુલને વનડેનો કેપ્ટન બનાવાયો
- ઈજાગ્રસ્ત રોહિત શર્મા સાઉથ આફ્રિકા નહીં જાય
- બુમરાહને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો
સાઉથ આફ્રિકા સામે રમાનારી ત્રણ વનડે મેચની સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. ઈજાગ્રસ્ત રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા જવામાં સક્ષમ ન હોવાને કારણે કેએલ રાહુલને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે જસપ્રીત બુમરાહને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પહેલી વનડે 19 જાન્યુઆરી, બીજી વનડે 21 જાન્યુઆરી અને ત્રીજી વનડે 23 જાન્યુઆરીએ રમાશે. ચીફ સિલેક્ટર ચેતન શર્માએ શુક્રવારે રાત્રે ટીમની જાહેરાત કરી. સાથે જ તેઓએ વિરાટ કોહલીની કેપ્ટનશીપને લઈને ઉઠેલા વિવાદોના પણ જવાબો આપ્યા.
ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ વિરાટ કોહલી પર ચીફ સિલેક્ટર ચેતન શર્માએ કહ્યું, ‘વિરાટ કોહલીએ અમને 2021 ટી-20 વર્લ્ડ કપ પહેલાં કેપ્ટનશીપ છોડવા અંગે જણાવ્યું હતું. અમે લોકોએ તેમને આ નિર્ણય ફરી વિચાર કરવાનું કહ્યું હતું. તે સમયે ટીમ એક મોટી ટૂર્નામેન્ટ રમવા માટે જઈ રહી હતી. તેથી અમે તેઓને જણાવ્યું ન હતું કે નિર્ધારીત ઓવરના ક્રિકેટમાં એક જ કેપ્ટન હશે.’
સાઉથ આફ્રિકા જનાર ટિમમાં કેએલ રાહુલ (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), શિખર ધવન, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, રુષભ પંત, ઈશાન કિશન, યુજવેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર,પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ સામેલ છે.
શિખર ધવન, રવિચંદ્રન અશ્વિન જેવા ખેલાડીઓ લાંબા સમય પછી વનડે ટીમમાં પરત ફર્યા છે. રવિચંદ્રન અશ્વિને હાલમાં જ ટી-20 ફોર્મેટમાં વાપસી કરી હતી અને ટી-20 વર્લ્ડ કપમાં રમ્યો હતો. શિખર ધવને શ્રીલંકા વિરૂદ્ધ સીરીઝની ટીમની કમાન સંભાળી હતી પરંતુ ત્યારે ભારતે પોતાની બી ટીમ મોકલી હતી.
સાઉથ આફ્રિકામાં ભારતીય ટીમનો વનડે રેકોર્ડ ઘણો જ ખરાબ છે. ટીમ 34માંથી માત્ર 10 વનડે જ જીત્યું છે અને 22માં હારનો સામનો કર્યો છે. જો કે છેલ્લી ટૂર દરમિયાન ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને તેમની ધરતી પર પહેલી વખત વનડેમાં માત આપી હતી. ભારતે 6 મેચની સીરીઝ 5-1થી જીતી હતી. આ પહેલાં રમાયેલી 6 વનડે મેચની સીરીઝમાં હાર મળી હતી.