West Bengal: પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારામાં ચાર લોકો ઘાયલ થયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે બુધવારે રાત્રે 9:10 વાગ્યે જ્યારે રામ નવમીનું સરઘસ ઇગ્રાના કોલેજ ટર્ન પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે કેટલાક લોકોએ તેના પર પથ્થરમારો કર્યો હતો. હાલ આ કેસમાં ચાર લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ પહેલા મુર્શિદાબાદમાં પણ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર રામ નવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાને લઈને હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો.
પોલીસ અધિકારીએ કહ્યું કે પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો. “વિસ્તારમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ. ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે,” તેમણે કહ્યું. બીજેપી નેતા અને મિદનાપુરથી પાર્ટીના ઉમેદવાર અગ્નિમિત્રા પાલ અને અન્ય કાર્યકરોએ આ પથ્થરમારાના વિરોધમાં રસ્તો રોકીને વિરોધ કર્યો હતો.
આ સિવાય બુધવારે મુર્શિદાબાદમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણની ઘટના સામે આવી હતી. શોભાયાત્રામાં છત પરથી પથ્થરમારો થવાથી લગભગ 20 લોકો ઘાયલ થયા છે. રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો કરવાને લઈને ભાજપે બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને ઘેરી લીધી. આ સાથે ભાજપે રાજ્ય પોલીસ પર બદમાશોને સમર્થન કરવાનો આરોપ પણ લગાવ્યો છે. ભાજપના બંગાળ એકમે આક્ષેપ કર્યો છે કે રેલી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે.
ભાજપ પર મમતા બેનર્જીના આક્ષેપો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રામનવમી પર રાયગંજમાં રેલી દરમિયાન થયેલા પથ્થરમારા માટે ભાજપને જવાબદાર ગણાવ્યું હતું. રેલીને સંબોધતા તેમણે કહ્યું કે, “ભાજપે બંગાળમાં રામ નવમી દરમિયાન હિંસા ફેલાવી હતી.” મમતાએ દાવો કર્યો હતો કે મુર્શિદાબાદ જિલ્લામાં હિંસા પહેલાથી જ આયોજનબદ્ધ હતી અને આરોપીઓ ભગવા પક્ષના હતા.
તેમણે જણાવ્યું કે મુર્શિદાબાદમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન વિસ્ફોટ થયો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું. સીએમ મમતાએ કહ્યું કે બધું જ પૂર્વ આયોજિત હતું. મુર્શિદાબાદના ડીઆઈજીને રામ નવમીના એક દિવસ પહેલા હટાવવામાં આવ્યા હતા, જેથી તેઓ (ભાજપ) રાજ્યમાં હિંસા ભડકાવી શકે.