Hriyana Accident: હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં સ્કૂલ બસ અકસ્માત મામલે વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ માહિતી આપી હતી. ગુરુવારે મહેન્દ્રગઢ જિલ્લામાં શાળાના બાળકોને લઈ જતી બસ ઝાડ સાથે અથડાઈને પલટી જતાં છ વિદ્યાર્થીઓના મોત થયા હતા અને લગભગ 20 ઘાયલ થયા હતા.
મહેન્દ્રગઢ પોલીસે જણાવ્યું કે બાળકોને લેવા જતા પહેલા બંનેએ સ્કૂલ બસની અંદર ડ્રાઈવર સાથે કથિત રીતે દારૂ પીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બસ ડ્રાઇવર ધર્મેન્દ્ર કથિત રીતે દારૂના નશામાં હતો અને તે ઝડપથી વાહન ચલાવી રહ્યો હતો, જેના કારણે તેણે ગુરુવારે સવારે 8.30 વાગ્યે મહેન્દ્રગઢ જિલ્લાના કનૈનાના ઉન્હાની ગામ પાસે અકસ્માત સર્જ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સ્કૂલ બસના ડ્રાઈવરે તેના સાથીદારો સાથે બસમાં દારૂ પીધો હતો. આ પછી તે બાળકોને લેવા માટે જીએલ પબ્લિક સ્કૂલ પહોંચ્યો. તેના બે સહયોગીઓ નિટ્ટુ ઉર્ફે હરીશ અને સંદીપ, સેહલોંગના રહેવાસીઓ સામે ભારતીય દંડ સંહિતા અને મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને શનિવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી, પોલીસે જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે આ મામલે તુરંત પગલાં લેતા, આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને તે જ દિવસે ડ્રાઇવર અને શાળાના મુખ્ય શિક્ષક સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ગુરુવારે ધરપકડ કરાયેલા ત્રણેય શખ્સોને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.