- મહમદ શમીએ 2 વિકેટ લીધી
- રબાડા-એન્ગિડીની આક્રમક બોલિંગ સામે ઈન્ડિયન બેટર ઢેર
- બોલર જસપ્રીત બુમરાહનો પગ મચકોડાયો
સેન્ચુરિયન ટેસ્ટના ત્રીજા દિવસે ઈન્ડિયન ટીમ 327 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી અને પહેલી જ ઓવરામાં કેપ્ટન એલ્ગર (1 રન) પેવેલિયન ભેગો થયો હતો. અત્યારે SAનો સ્કોર 4 વિકેટના નુકસાને 90+ રન છે. ક્વિંટન ડિકોક અને તેમ્બા બઉમા બેટિંગ કરી રહ્યા છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો પગ 11મી ઓવરમાં બોલિંગ દરમિયાન મચકોડાઈ ગયો હતો. જેના પરિણામે તે બોલ ફેંકતાની સાથે જ જમીન પર ઢળી પડ્યો હતો. તેને પિચ પર દર્દથી તરફડિયા મારતો જોઈ ઈન્ડિયન ફિઝિઓ પણ મેદાનમાં દોડી આવ્યા હતા.
ઈન્ડિયન બોલર્સની ધારદાર બોલિંગ સામે દ.આફ્રિકન બેટર મુશ્કેલીમાં મુકાયા છે. મેચની પહેલી ઓવરમાં જ જસપ્રીત બુમરાહે કેપ્ટન એલ્ગરને આઉટ કરી ટીમને પહેલી વિકેટ અપાવી હતી. તેવામાં લંચ પછી મોહમ્મદ શમીએ કીગન પીટરસનને ક્લિન બોલ્ડ કરી દ.આફ્રિકન ટીમના બીજા બેટરને પેવેલિયન ભેગો કરી દીધો હતો. ઈન્ડિયન ટીમે 272/3ના સ્કોરથી મંગળવારે બેટિંગ શરૂ કરી હતી. આ દરમિયાન ટીમે 55 રન જ સ્કોરબોર્ડમાં ઉમેરી 7 વિકેટ ગુમાવી દીધી હતી. જેના પરિણામે ભારત 327 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે પહેલા દિવસની શાનદાર બેટિંગ બાદ ભારતીય ટીમ પાસે એક હાઈસ્કોરિંગ મેચની આશા હતી, પરંતું તેના બેટર કંઈ ખાસ કરી ન શક્યા અને બેક ટુ બેક પોતાની વિકેટ ગુમાવતા રહ્યા હતા.
ટીમ ઈન્ડિયાની ત્રીજા દિવસે સૌથી પહેલી વિકેટ કે.એલ.રાહુલ આઉટ થયા પછી પડી હતી. તે 123 રનની વિસ્ફોટક ઈનિંગ રમ્યા પછી કગિસો રબાડાની ઓવરમાં પેવેલિયન ભેગો થયો હતો. રાહુલના આઉટ થયા પછી રહાણે (48 રન), રિષભ પંત (8 રન), રવિ અશ્વિન (4 રન), શાર્દૂલ ઠાકુર (4 રન), મોહમ્મદ શમી (8 રન) અને જસપ્રિત બુમરાહ (14 રન) બેક ટુ બેક દ.આફ્રિકન બોલર્સ સામે ટકી નહોતા શક્યા. તો બીજી બાજુ લુન્ગી એન્ગિડીએ 6 વિકેટ તથા કગિસો રબાડાએ 3 વિકેટ લઈને ઈન્ડિયન ટીમના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી.
સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કની પિચ ફાસ્ટ બોલર માટે મદદરૂપ રહેશે. અહીં બેટરને ન્યૂ બોલ સામે રમવું અઘરું રહેશે. તેવામાં અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા માટે આવી પિચ પર સારુ પ્રદર્શન કરી, ટીમમાં સ્થાન નિશ્ચિત કરવાની સુવર્ણ તક છે. જ્યારે મોહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકુર પણ પોતાની શાનદાર બોલિંગથી આગવી છાપ છોડી શકે છે.