Vijender Singh Joins Bjp : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બોક્સર વિજેન્દર સિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. વિજેન્દર સિંહે બીજેપીના જનરલ સેક્રેટરી વિનોદ તાવડે, દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને દક્ષિણ દિલ્હીથી પાર્ટીના ઉમેદવાર રામવીર સિંહ બિધુરીની હાજરીમાં બીજેપીનું સભ્યપદ લીધું.
છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી હતી કે કોંગ્રેસ તેમને અભિનેત્રી અને વર્તમાન સાંસદ હેમા માલિની સામે મથુરાથી મેદાનમાં ઉતારી શકે છે. સિંહ જાટ સમુદાયના છે, જે હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં મોટી સંખ્યામાં બેઠકો પર રાજકીય પ્રભાવ ધરાવે છે. સિંહે દક્ષિણ દિલ્હી બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર 2019ની લોકસભા ચૂંટણી લડી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે અન્ય ઘણી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં પણ દેશ માટે મેડલ જીત્યા છે.