Munchingput Conspiracy Case : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આંધ્રપ્રદેશના મુનચિંગપુટ કાવતરા કેસમાં આઠમા આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. વિશાખાપટ્ટનમની વિશેષ NIA કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં NIAએ રામક્કાગિરી ચંદ્ર પર ભારતીય દંડ સંહિતા, આર્મ્સ એક્ટ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ આરોપ મૂક્યા છે. આ મામલો માઓવાદી વિચારધારાનો પ્રચાર કરીને યુવાનોને કટ્ટરપંથી બનાવવાના કાવતરા સાથે સંબંધિત છે.
નોંધનીય છે કે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ મે 2021માં આ કેસમાં મૂળ ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારપછી અન્ય સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. હવે NIAએ આઠમા આરોપી રામક્કાગિરી ચંદ્ર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. એવો આરોપ છે કે રામક્કાગિરી ચંદ્રાએ આર્થિક અને સામાજિક રીતે નબળા યુવાનોને માઓવાદી વિચારધારા તરફ કટ્ટરપંથી બનાવવા અને પ્રતિબંધિત CPI (માઓવાદી)ને સમર્થન આપવાનું કાવતરું ઘડ્યું હતું.
તપાસ એજન્સીએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું છે કે ચંદ્રા પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી)ના સર્વોચ્ચ સંગઠન પ્રગતિશીલ કર્મિકા સામખ્ય (પીકેએસ)ની રાજ્ય સમિતિના સભ્ય પણ હતા. આ સિવાય તે પ્રતિબંધિત સંગઠનની ગતિવિધિઓને આગળ વધારવામાં પણ વ્યસ્ત હતો.
તપાસ એજન્સીએ એ પણ ખુલાસો કર્યો છે કે તેણે આંધ્રપ્રદેશના શ્રી સત્ય સાઈ જિલ્લાના કુટીગલ્લા ગામમાં માર્યા ગયેલા માઓવાદી નેતા એસ એ રૌફની પ્રતિમા પણ બનાવી હતી. NIAએ કહ્યું હતું કે તપાસ દરમિયાન ચંદ્રા પાસે પ્રતિબંધિત સંગઠન દ્વારા આપવામાં આવેલી પિસ્તોલ અને દારૂગોળો પણ હોવાનું જાણવા મળ્યું હતું.