- ભારતમાં બાળકોને કોરોના વેક્સિન અપાશે
- ભારતમાં 15થી 18 વર્ષના ટીનેજર્સને નવા વર્ષથી વેક્સિન અપાશે
- બાળકોની કોવિડ-19 વેક્સિનને ઈમરજન્સી યૂઝ કરાશે
હાલ જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે, ત્યારે તમામ દેશો તેનું સંક્રમણ થતુ અટકે તે માટેના પ્રયત્નો કરી રહ્યાં છે. આવા સંજોગોમાં વિવિધ દેશોમાં રહેતા નાગરિકોનું સંપૂર્ણ વેક્સિનેશન થાય તે જરૂરી છે. ઓમિક્રોન પર થયેલા રિસર્ચ અનુસાર આ વેરિયન્ટ ઘાતક ન હોવા છતાં તેનું સંક્રમણ ઝડપથી ફેલાય છે, એવા સંજોગોમાં તેના સંક્રમણને બાળકોમાં ફેલાતુ રોકવા માટે બાળકોનું વેક્સિનેશન અત્યંત જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાતે દેશને સંબોધતા 15થી 18 વર્ષની ઉંમરના લોકોને 3 જાન્યુઆરીથી કોરોના વેક્સિન આપવામાં આવશે. જેમાં દેશના 15થી 18 વર્ષના 8 કરોડ ટીનેજર્સને ફાયદો થશે. આ ઉપરાંત 10 જાન્યુઆરીથી હેલ્થ વર્કર્સ સહિત તમામ ફ્રંટ લાઈન વર્કર્સને ‘Precaution Dose’ આપવામાં આવશે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI)એ ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી બાળકોની કોવિડ-19 વેક્સિનને ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી દીધી છે. DGCIની મંજૂરી પછી ભારત બાયોટેકની વેક્સિન હાલ 12થી 18 વર્ષના કિશોરને લગાડી શકાશે. જો કે હજુ નાની ઉંમરના બાળકો માટે આ વેક્સિનનો ઉપયોગ અંગેનો નિર્ણય થવાનો બાકી છે. યુનિસેફ દ્વારા વિશ્વના 105 દેશોમાં નોંધાયેલા 115 મિલિયન કોરાનાના કેસનો અભ્યાસ કરીને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ 20 વર્ષની અંદરની વ્યક્તિને થયેલા કોરોનાના સંક્રમણ માટે 16 ટકા કોરોનાના કેસ જ જવાબદાર છે. આ સિવાય કોરોનાના સંક્રમણનો ભોગ બનતા મોટાભાગના બાળકોમાં કોરોનાના કોઈ પણ લક્ષણો જોવા મળતા નથી. હાલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) દ્વારા બાળકોની ત્રણ રસીને માન્યતા આપવામા આવી છે. આ રસીમાં ફાઈઝર-બાયોટેક વેક્સિન, સિનોફાર્મ વેક્સિન અને સિનોવેક વેક્સિન સામેલ છે. કેટલાક દેશો બાળકો અને પુખ્તવયની વ્યક્તિને ફાઈઝર-બાયોટેક વેક્સિનના બે સંપૂર્ણ ડોઝ આપે છે. જ્યારે કેટલાક દેશ વેક્સિનનો એક જ ડોઝ આપે છે. લંડન સ્કુલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના જણાવ્યા અનુસાર, હાલ 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ માટેની 20 વેક્સિનનું ક્લિનિકલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. મે મહિનામાં યુરોપિયન મેડિસિન એજન્સીએ ફાઈઝરની વેક્સિનને 12-15 વર્ષના બાળકો માટે મંજૂરી આપી હતી. જોકે તે પછીથી યુરોપના વિવિધ દેશોમાં આ અંગે વિવિધ પ્રકારના મતભેદ જોવા મળ્યા હતા.