Gujarat News: ચોટીલા-રાજકોટ હાઈવે પર વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. આ હાઈવે પર મોડી રાત્રે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિત 3 લોકોના મોત થયા હતા. અહેવાલો અનુસાર, એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવતા દર્દીનો જીવ બચી ગયો છે, પરંતુ તેની સાથે રહેલા બે લોકોના મોત થયા છે. ચોટીલાથી રાજકોટ જતી એમ્બ્યુલન્સને આપાગીગાના ઓટલા પાસે ટ્રક સાથે અકસ્માત થયો હતો.
અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, એમ્બ્યુલન્સમાં મુસાફરી કરી રહેલા દર્દીના પુત્ર અને પુત્રી અને એમ્બ્યુલન્સના ડ્રાઈવરનું મૃત્યુ થયું છે.
ચોટીલા-રાજકોટ હાઈવે પર સોમવારે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો
ચોટીલા-રાજકોટ હાઈવે પર સોમવારે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો જેમાં ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ચાલક વિજયભાઈ બાવળિયા (ઉંમર 39) અને દર્દીની સાથે રહેલા દર્દી પાયલબેન મકવાણા (ઉંમર 18) અને ગીતાબેન મિયાત્રા (ઉંમર 45)નું મોત નીપજ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોટીલા-રાજકોટ હાઈવે પર આપા ગીગાના ઓટલા પાસે અજાણ્યા ટ્રક પાછળ એમ્બ્યુલન્સ અથડાઈ હતી. ઇજાગ્રસ્ત દર્દીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે સાડા દસેક આસપાસ ચોટીલાના રાજપરા ગામે રહેતા કાજલબેન હરેશભાઈ મકવાણા તેમની પુત્રી અને દિકરા સાથે ચોટીલા દવાખાને સારવાર માટે આવ્યા હતા. ત્યારે રાજકોટમાં રહેતી બહેન અને પત્નીને પણ ઈજાઓ પહોંચી હતી. દરમિયાન ચોટીલા રેફરલ હોસ્પિટલમાં દર્દીની મુશ્કેલી વધી હોવાથી તબીબે તેને રાજકોટ હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું હતું. ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ જવા નીકળી રહ્યા હતા ત્યારે આપાગીગાના ઓટલા પાસે ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી. સ્થાનિકોએ 108ને જાણ કરતાં તેઓ ઘાયલોને 108 એમ્બ્યુલન્સ લઈ રેફરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ગીતાબેનને તાત્કાલિક મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને રાજકોટ લઇ જતાં મૃત્યુ પામ્યા હતા.
અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા
અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લાંબા સમય સુધી વાહન વ્યવહારને અસર થઇ હતી. આ બનાવની પોલીસને જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. રાજકોટથી લીંબડી સુધીનો હાઇવે દાયકાઓથી સૌથી જોખમી માર્ગ તરીકે જાણીતો છે અને અહીં અકસ્માતો થતા રહે છે. ખાસ કરીને રાત્રીના સમયે રસ્તા પર ઉભી રહેતી ટ્રકો અન્ય વાહનો માટે જોખમી પરિસ્થિતિનું નિર્માણ કરે છે.