Gujarat News: લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે સવારે 9 કલાકે PM મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે. મહત્વનું છે કે, આજે રાજ્યમાં અનેક વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. PM મોદી આજે 10 નવી વંદે ભારત ટ્રેનને ફ્લેગઓફ કરશે. આ સાથે અમદાવાદમાં વિવિધ 85 હજાર કરોડના કામોનું શિલાન્યાસ કરવામાં આવશે. આ સાથે જ પ્રધાનમંત્રી સમર્પિત ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરાશે.
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સાબરમતી આશ્રમના રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. સાબરમતી આશ્રમનું 1200 કરોડથી વધુના ખર્ચે રિનોવેશન કરાશે. સાબરમતી આશ્રમનો 55 એકરમાં વિકાસ કરવામાં આવશે. તેમજ હાલમાં આવેલી 20 ઇમારતોને યથાસ્થિતિમાં જાળવી રાખીને સાબરમતી આશ્રમમાં 13 નવા બિલ્ડિંગ ઉભા કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ 6 હજાર વિસ્તરણ અને વિકાસકાર્યો સંબંધિત રેલવે યોજનાઓનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી મોદીના આ કાર્યક્રમનું દેશના 764 સ્થાનો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. ગુજરાતમાં પ્રધાનમંત્રીના આ કાર્યક્રમનું દેશના 10 હજાર ડિજિટલ સ્ક્રીન પર લાઇવ સ્ટ્રીમિંગનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે. રાજ્ય અને દેશના વિવિધ મહત્વના રેલવે સ્ટેશન પર 50 પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રોનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે તો 51 જેટલી ગતિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ પણ દેશને સમર્પિત કરવામાં આવશે.
આ સાથે દેશમાં સ્થાનિક ઉત્પાદોને પ્રોત્સાહન આપવા માટે 1500થી વધુ વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલનું પણ પ્રધાનમંત્રી લોકાર્પણ કરશે. આ સાથે 975 સ્થાનો પર સૌર ઉર્જાથી ચાલતા સ્ટેશન અને ઇમારતોનું લોકાર્પણ PM મોદીના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત દેશના વિવિધ રેલવે જંક્શન પર બનાવાયેલા નવા 229 ગુડ્સ શેડનું પણ પ્રધાનમંત્રી ગુજરાતથી લોકાર્પણ કરશે.