અમદાવાદઃ ભારતને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવાનારા અમદાવાદના ગાંધી આશ્રમની કાયાપલટ થવાની છે. જેનો માસ્ટર પ્લાન રેડી છે. હાલ જે ગાંધી આશ્રમ છે તેનાથી વિશાળ આકાર તેને આપવામાં આવશે, એટલે કે જેતે સમયે ગાંધી આશ્રમનો જે મૂળ વિસ્તાર હતો તેને આ નવા પ્રોજેક્ટમાં આવરી લેવામાં આવશે. ગાંધી આશ્રમના રિ-ડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ચાલુ માસમાં કરવામાં આવશે. આ રિ-ડેવલપમેન્ટ દરમિયાન ગાંધી આશ્રમની જે મૂળ જગ્યા છે તેને જાળવી રાખવાની સાથે તેને વર્લ્ડ ક્લાસ બનાવવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
ગાંધી આશ્રમની આસપાસમાં રહેતા આશ્રમવાસીઓના વિકાસની વાતને પણ આ રિ-ડેવલપમેન્ટમાં ધ્યાનમાં રાખવામાં આવી છે. તેમના માટે અદ્ધતન મકાનો તૈયાર કરવાનું આયોજન પણ છે. આશ્રમવાસીઓ કે જેઓ હાલ વિવિધ ટ્રસ્ટ હેઠળ ગાંધી આશ્રમની આસપાસમાં રહે છે તેમને પોતાના મકાન બનાવીને આપવામાં આવશે. આ રહેણાક પણ હાલના નિવાસસ્તાનથી માત્ર 50 મીટરના અંતરે બનાવવામાં આવશે.
જેતે સમયે ગાંધી આશ્રમ બન્યો ત્યારે તે 120 એકરમાં ફેલાયેલો હતો અને તેમાં 63 મકાનો આવેલા હતા જેમાં વિવિધ પ્રકારના ભારતની આઝાદીને લગતા અને તે સિવાય કાર્યો થતા હતા. જોકે, હાલના સમયમાં ગાંધી આશ્રમનો વિસ્તાર ઘટીને માત્ર 5 એકર થઈ ગયો છે. જેમાં ત્રણ મકાનો છે કે જે અહીં આવતા મુલાકાતીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે.
હાલ જેતે સમયે ગાંધી આશ્રમની મૂળ જગ્યા હતી ત્યાં અન્ય કન્સ્ટ્રક્શન થઈ ગયા છે. જોકે હવે ગાંધી આશ્રમની મૂળ જગ્યાનો 1200 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે, ગાંધી આશ્રમની કાયાપલટ થશે તેમાં હાલ જે આશ્રમ રોડ પસાર થઈ રહ્યો છે તેને પણ ડાઈવર્ટ કરવાનો પ્લાન છે.
આમ ગાંધી આશ્રમને હાલના 5 એકરમાંથી 55 એકરમાં ડિઝાઈન કરવામાં આવશે. ગાંધીજીને અને તેમના કાર્યોને લોકો વધુ સારી રીતે જાણી અને સમજી શકે તે તમામ બાબતોનું પણ અહીં ધ્યાન રાખવામાં આવશે. આ સાથે અહીં કેટલાક મ્યુઝિયમ અને રિસર્ચ માટેના સ્થાનો પણ વિકાસવવામાં આવશે.
હાલ ઘણાં એવા લોકો હશે કે જેઓ અમદાવાદમાં રહેતા હોવા છતાં ગાંધી આશ્રમની મુલાકાત લેવા નહીં ગયા હોય, પરંતુ જે પ્રકારનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે તે જોતા ગાંધી આશ્રમની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચશે. આ કાયાપલટ માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ ખર્ચ ઉઠાવવામાં આવશે.
રિ-ડેવલપમેન્ટમાં એ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે કે હાલ ગાંધી આશ્રમની મૂળ નૈતિકતા અને પવિત્રતા જળવાઈ રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. ગાંધી આશ્રમની સાથે ચંદ્રભાગા અને દાંડી બ્રીજને પણ નવી ચમક મળશે.