- આગામી 26 તારીખથી ટેસ્ટ સીરિઝ થશે શરૂ
- હવામાન વિભાગ મુજબ વરસાદની 80 ટકા સંભાવના
- ટેસ્ટના પહેલા 2 દિવસના વરસાદને કારણે પિચ ધોવાની સંભાવના
ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે 3 ટેસ્ટ મેચની સિરીઝ 26 ડિસેમ્બરથી શરૂ થનાર છે. ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકાની પહેલી ટેસ્ટ સેન્ચુરિયનમાં રમાનાર છે. જોકે આ દરમિયાન કોવિડ-19ને ધ્યાનમાં રાખી દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે નહીં. પરંતુ આ તમામ પાસા સિવાય વરસાદ પણ પહેલા 2 દિવસ વિઘ્ન ઊભું કરી શકે છે. દક્ષિણ આફ્રિકાના વેધર અપડેટ આધારે જો વાત કરવામાં આવે તો પાંચમાંથી 3 દિવસ તો વરસાદ વિઘ્ન નાખી શકે છે. વેધર અપડેટ આપતી વેબસાઈટ એક્યૂવેધરના જણાવ્યા પ્રમાણે સેન્ચુરિયનમાં ટેસ્ટ મેચ દરમિયાન સમયાંતરે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. એટલું જ નહીં 26, 27 અને 28 ડિસેમ્બરે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના પણ છે. જેથી ટેસ્ટના પહેલા 2 દિવસ વરસાદમાં ધોવાઈ શકે છે. સેન્ચુરિયનમાં 26 ડિસેમ્બરે વરસાદની સંભાવના 80 ટકાથી વધારે છે. ત્યારપછી બીજા દિવસની વાત કરીએ તો તે વધીને 87 ટકા થઈ શકે છે. આ તમામ અપડેટને જોતા બંને ટીમો માટે ટોસ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે.
તેવામાં એક્યૂવેધરના જણાવ્યા પ્રમાણે મેચના ત્રીજા દિવસે વરસાદની સંભાવના નહિવત છે, જ્યારે 29 ડિસેમ્બરે 55 ટકા વરસાદ પડવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા દિવસે એટલે 30 તારીખે વાતાવરણ સારું રહેશે. વરસાદ સિવાય સુપર સ્પોર્ટ પાર્ક સેન્ચુરિયનની પિચ પણ વિરાટ સેના સામે પડકાર સમાન રહેશે. BCCIએ સોમવારે એક પ્રેક્ટિસ સેશનનો વીડિયો શેર કર્યો હતો, જેમાં શ્રેયસ અય્યરે કહ્યું હતું આ પિચ પર ઘાંસ વધારે છે. તેવામાં ટીમ ઈન્ડિયા માટે આ પડકાર રૂપ સાબિત થઈ શકે છે. આગામી 26 તારીખથી શરૂ થનાર ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકાની મેચયોજાનાર છે. જેમાં વરસાદ મોટું વિઘ્ન બનવાની સંભાવના છે. વરસાદને કારણે પહેલા બે દિવસે મેચ રદ થવાની સંભાવના પણ જોવા મળી રહી છે.