વિવાદાસ્પદ કર્ણાટક હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (સુધારા) બિલ, 2024ના મામલે કર્ણાટકની કોંગ્રેસ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. આ બિલનો હેતુ કુલ આવકના 10 ટકા ઊંચી આવક ધરાવતા મંદિરો પાસેથી ટેક્સ તરીકે વસૂલવાનો હતો. શુક્રવારે વિધાન પરિષદમાં આ બિલ પસાર થઈ શક્યું ન હતું. ભાજપ અને જેડી(એસ)ના સભ્યોએ વાંધો ઉઠાવતાની સાથે જ કાઉન્સિલના ઉપાધ્યક્ષ એમ.કે. પ્રણેશે વોઈસ વોટ માટે હાકલ કરી. વિપક્ષી સભ્યોએ તેની વિરુદ્ધમાં મત આપ્યા બાદ બિલને નામંજૂર કરવામાં આવ્યું હતું.
સાત સભ્યોએ બિલની તરફેણમાં જ્યારે 18 સભ્યોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. કાઉન્સિલમાં બિલનો પ્રસ્તાવ મૂકતા પરિવહન અને મુઝરાઈ મંત્રી રામલિંગા રેડ્ડીએ કહ્યું કે વર્તમાન નિયમો અનુસાર સરકારને મંદિરોમાંથી 8 કરોડ રૂપિયા મળી રહ્યા છે. રેડ્ડીએ કહ્યું કે, નવો નિયમ પસાર થયા બાદ સરકારને 60 કરોડ રૂપિયાની કમાણી થશે અને આ ફંડનો ઉપયોગ ‘C’ ગ્રેડના મંદિરોના સંચાલન માટે કરવામાં આવશે.
રાજ્યભરના 34,165 ‘C’ ગ્રેડ મંદિરોમાં 40,000 થી વધુ પૂજારીઓ હોવાનું જણાવતા મંત્રીએ કહ્યું, “અમે પૂજારીઓ માટે ઘરો બનાવવા અને તેમના બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે ભંડોળ પૂરું પાડીશું. અમે તેમને વીમા કવચ પણ આપીએ છીએ.”
આ બિલનો વિરોધ કરતાં કાઉન્સિલમાં વિરોધ પક્ષના નેતા કોટા શ્રીનિવાસ પૂજારીએ કહ્યું કે મંદિરોની આવકના 10 ટકા એકત્ર કરવું યોગ્ય નથી. પૂજારીએ કહ્યું કે બિલની જોગવાઈ છે કે જો મંદિરોની કમાણી 100 કરોડ રૂપિયા છે તો સરકારને 10 કરોડ રૂપિયા આપવામાં આવે. પરંતુ, પહેલા ખર્ચમાં કાપ મૂકવો પડશે અને પછી સરકાર તેનો હિસ્સો લઈ શકશે. તેમણે કહ્યું કે સરકારે ‘C’ ગ્રેડના મંદિરોના વિકાસ માટે 200 કરોડ રૂપિયા આપવા જોઈએ. જ્યારે ભાજપના એમએલસી એન. રવિકુમારે કહ્યું કે રાજ્ય સરકારે મંદિરોમાંથી 10 ટકા આવક એકઠી કરવાનું વિચારવું પણ ન જોઈએ.