સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગૃહિણીની ભૂમિકા પગારદાર પરિવારના સભ્ય જેટલી જ મહત્વપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે ગૃહિણીના મહત્વને ક્યારેય ઓછું આંકવું જોઈએ નહીં. મોટર અકસ્માત કેસની સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે આ ટિપ્પણી કરી હતી.જસ્ટિસ સૂર્યકાન્ત અને કે.વી. વિશ્વનાથને 2006માં અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવારને વળતરમાં વધારો કરવાનો નિર્દેશ આપતા તેના આદેશમાં જણાવ્યું હતું.
બેન્ચે વળતર વધારીને રૂ. 6 લાખ કરી દીધું. સર્વોચ્ચ અદાલતે વાહન માલિકને મૃતક મહિલાના પરિવારને છ સપ્તાહની અંદર ચૂકવણી કરવાનો નિર્દેશ આપતા કહ્યું કે, ગૃહિણીના મહત્વને ક્યારેય ઓછું ન આંકવું જોઈએ. ગૃહિણીના કામને અમૂલ્ય ગણાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઘરની સંભાળ રાખનારી મહિલાનું મૂલ્ય ઉચ્ચ સ્તરનું હોય છે અને નાણાકીય દ્રષ્ટિએ તેના યોગદાનનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે.
ખંડપીઠે કહ્યું કે તે જે વાહનમાં મુસાફરી કરી રહી હતી તેનો વીમો લેવામાં આવ્યો ન હોવાથી તેના પરિવારને વળતર આપવાની જવાબદારી વાહનના માલિક પર આવી.
મોટર અકસ્માતનો દાવો ટ્રિબ્યુનલે તેના પરિવાર, તેના પતિ અને સગીર પુત્રને 2.5 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. પરિવારે ઉત્તરાખંડ હાઈકોર્ટમાં વધુ વળતર માટે અપીલ કરી હતી, પરંતુ 2017માં તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી, કારણ કે મહિલા ગૃહિણી હોવાથી વળતર આપવામાં આવશે નહીં.
સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના અવલોકનને ફગાવી દીધું હતું અને કહ્યું હતું કે ગૃહિણીની આવક દૈનિક વેતન મજૂર કરતાં ઓછી કેવી રીતે ગણી શકાય? અમે આ પ્રકારનો અભિગમ સ્વીકારતા નથી.