શાહિદ કપૂર અને કૃતિ સેનનની ‘તેરી બાતો મેં ઐસા ઉલ્ઝા જિયા’એ ટિકિટ બારી પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ રિલીઝ થયાને 9 દિવસ વીતી ગયા છે. આ ફિલ્મે અત્યાર સુધી સારી કમાણી કરીને પોતાની ઓળખ બનાવી છે. ઘરેલું કલેક્શનની સાથે સાથે આ ફિલ્મ વિશ્વભરમાં ટકી રહેવામાં પણ સફળ રહી છે.
શાહિદ-કૃતિની કેમેસ્ટ્રી પસંદ આવી હતી
પહેલીવાર શાહિદ કપૂર અને કૃતિ સેનનની કેમેસ્ટ્રી મોટા પડદા પર જોવા મળી રહી છે. આ ફિલ્મમાં બંનેની એક અનોખી લવસ્ટોરી જોવા મળી રહી છે, જેમાં એક માણસ અને રોબોટની લવ સ્ટોરી સામેલ છે. આ અનોખા કોન્સેપ્ટ સિવાય બંનેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
ફિલ્મ 100 કરોડની કમાણી તરફ આગળ વધી
‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ ગ્લોબલ કમાણીમાં 100 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. ફિલ્મે 9 દિવસમાં 89.61 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. 14 કરોડની ઓપનિંગ કરનારી આ ફિલ્મે ત્રણ દિવસમાં 50 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો હતો. હવે આ ફિલ્મ 100 કરોડની કમાણી કરવાની ખૂબ નજીક પહોંચી ગઈ છે.
અમિત જોશી અને આરાધના શાહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ઓછા બજેટમાં બની છે. જે ઝડપે તેનું કલેક્શન આગળ વધી રહ્યું છે તે જોતા એમ કહેવું ખોટું નહીં હોય કે આ ફિલ્મ આવતા અઠવાડિયે 100 કરોડનો આંકડો પાર કરી જશે.